વડોદરાના ગ્રાઉન્ડમાં પીળી માટી હલકી કક્ષાની નાખવામાં આવતા ગરબા આયોજકોના રોષનો ભોગ કોર્પોરેટરો બન્યા

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
વડોદરાના ગ્રાઉન્ડમાં પીળી માટી હલકી કક્ષાની નાખવામાં આવતા ગરબા આયોજકોના રોષનો ભોગ કોર્પોરેટરો બન્યા 1 - image

image : Freepik

વડોદરા,તા.13 ઓક્ટોબર 2023,શુક્રવાર

વડોદરા કોર્પોરેશન દ્વારા ગરબા ગ્રાઉન્ડ ખાતે વિનામૂલ્યે માટી ફાળવવામાં આવે છે. ત્યારે આ વખતે કેટલાક ગરબા ગ્રાઉન્ડ ખાતે ઇજાદારે ખૂબ જ ગઠ્ઠાવાળી અને પથ્થરવાળી માટી નાખતા આવા ગરબા આયોજકો નારાજ થયા છે અને તેઓની નારાજગીનું ભોગ સ્થાનિક કોર્પોરેટરો બનવું પડ્યું છે.

 શહેરમાં યોજાયતા ધાર્મિક કાર્યક્રમો અંતર્ગત ગરબા મહોત્સવ દરમિયાન ગરબા ગ્રાઉન્ડ ખાતે વિનામૂલ્યે કોર્પોરેશન દ્વારા માટી ગરબા આયોજકોને ફાળવવામાં આવી રહી છે. આ માટે ઇજારો આપવામાં આવતો હોય છે. કોર્પોરેશને જે ઈજારો આપ્યો છે એમાં જોઈએ તે પ્રમાણે માટીના માપદંડો અને ગુણવત્તાનો અમલ થઈ રહ્યો નથી એવો કેટલા ગરબા આયોજકોનો આક્ષેપ છે. કેટલાક ગરબા ગ્રાઉન્ડ ખાતે જે માટી નાખવામાં આવી છે તે ખૂબ જ ગાંગડાવાળી, ગઠ્ઠાવાળી છે. તેમજ માટીમાં વિપુલ પ્રમાણમાં પથ્થરો આવ્યા છે. જ્યારે ગ્રાઉન્ડમાં માટી પર પાણીનો છંટકાવ કરવામાં આવે ત્યારે આ પથ્થર ઉપસી આવે છે. તેથી હવે છેલ્લી ઘડીએ ગરબા આયોજકોએ પથ્થરો વીણવા, ગ્રાઉન્ડ સાફ કરાવવા મજૂરો લગાવવા પડે તેવી સ્થિતિ નિરમાઈ છે. આવી પરિસ્થિતિમાં સોના કરતા ઘડામણ મોંઘી પડે તેવું જણાતા કેટલાક ગરબા આયોજકોએ ગ્રાઉન્ડ પર નાખવામાં આવેલ માટી પાથરવાના બદલે કોર્પોરેશનના ઇજાદદારને પરત લઈ જવા જણાવી દીધું હતું. જેથી માટી આપનાર ઇજારદાર અને ગરબા આયોજકો વચ્ચે ક્યાંક ચકમક પણ ઝરી છે. માટીની ગુણવત્તા ન હોવા મામલે આયોજકોએ કોર્પોરેટરોને પણ ફરિયાદ કરી છે અને આના કારણે કોર્પોરેટરો એ પણ આયોજકોનું સાંભળવું પડ્યું છે. ત્યારે ઇજારો આપવા આપ્યા બાદ વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર નખાતી માટીની ગુણવત્તા અને સપ્લાય થયેલ ડમ્પરની સંખ્યાનું ચોક્કસ મોનિટરિંગ થતું ન હોવાની પણ વ્યાપક ચર્ચા છે. જો યોગ્ય તપાસ થાય તો સાચા કરતા માટીના ડમી ડમ્પર નંખાયા હોવાની બાબત સપાટી પર આવે તે નકારી શકાય તેમ નથી!


Google NewsGoogle News