વડોદરા શહેરમાં હાઇરાઇઝ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી પ્લાયવુડ, ફર્નિચરની દુકાનો સીલ કરવા કોંગ્રેસના કોર્પોરેટરની માંગ
Vadodara Fire Safety Drive : વડોદરા શહેરના અનેક રેસીડેન્સીયલ વિસ્તારમાં હાલ કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીઝ આવી ગઈ છે, એવું ન થવું જોઈએ કારણ કે ક્યારેક ઇન્ડસ્ટ્રીઝમાં ભિષણ આગ લાગે તો તેનાથી રહેણાક વિસ્તારમાં વસતા નાગરિકોની સુરક્ષા સામે ગંભીર ખતરો ઉભો થઈ શકે તેમ છે. જેથી હાઇરાઈઝડ રેસીડેન્સ વિસ્તારમાં આવેલ તમામ પ્લાયવુડની દુકાનો અને ફર્નિચરની દુકાનો બંધ કરાવવા કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડે માંગ કરી હતી.
કોર્પોરેશનની સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડે જણાવ્યું હતું કે, અમારા વિસ્તાર નવાયાર્ડમાં ઘણી જગ્યાએ રેસીડેન્સ વિસ્તારમાં કોમર્શિયલ એક્ટિવિટી અને ખાનગી કંપનીના ગોડાઉનનો ધમધમી રહ્યા છે. થોડા દિવસો અગાઉ અમારે ત્યાં એમેઝોન કંપનીના ગોડાઉનમાં આગ લાગી હતી અને તેમાં રેશમી કાપડની જ્વાળાઓ રહેઠાણ વિસ્તાર સુધી પહોંચી ગઈ હતી. રેસીડેન્સ વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃતિ કઈ રીતે થઈ રહી છે? તે ખોટું છે. વધુમાં મહિલા કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ ઉમેર્યું હતું કે, તેમના વોર્ડ ઓફિસર કે રેવન્યુ ઓફિસરને ખબર નથી કે, રહેણાક વિસ્તારમાં કંપનીઓના ગોડાઉન આવી ગયા કેવી રીતે? આ સમયે જહા ભરવાડે જણાવ્યું કે, અમારા વોર્ડમાં જેટલા રેસીડેન્સ વિસ્તારમાં પ્લાયવુડના ધંધાર્થીઓ આવી ગયા છે તે તમામ દુકાનો સીલ કરો, કોઈ દિવસ આવી દુકાનમાં આગ લાગશે તો ઉપરના માળે રહેતા લોકોની ખૂબ મોટી જાનહાનિ થઈ શકશે. અમે લોકો આ માટે તમને લેખિતમાં આપવા તેમજ તંત્રને સહકાર આપવા તૈયાર છે. જેથી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું કે, અમે આ અંગે રેસીડેન્સ એરિયામાં આવેલ ફર્નિચરની દુકાનો અંગે યોગ્ય કાર્યવાહી કરીશું.
હાઇરાઇઝ બિલ્ડીંગને અડીને આવેલા પેટ્રોલ પંપ અંગે તંત્ર શું કાર્યવાહી કરશે?
એક તરફ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ પ્લાયવુડ અને ફર્નિચરની દુકાનો સામે સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં રેસીડન્સ વિસ્તારને અડીને અથવા હાઇરાઇઝ બિલ્ડીંગને અડીને કેટલાક પેટ્રોલ પંપ આવેલા છે. કોઈકવાર પેટ્રોલ પંપ પર આગની દુર્ઘટના સર્જાય છે તો ખૂબ મોટી ખુવારી થવાની શક્યતા રહેલી છે. ત્યારે કોર્પોરેશન, ફાયર બ્રિગેડ અને જિલ્લા વહીવટી તંત્ર રેસીડેન્સ અને હાઇરાઇઝ બિલ્ડીંગને અડીને આવેલા પેટ્રોલ પંપ સામે કેવું વલણ અપનાવે છે? તે પણ એક ગંભીર સવાલ અહીં ઉભો થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષો અગાઉ નવરાત્રીના નોમની રાત્રીના સમયે ગેડા સર્કલ પાસે આવેલ પેટ્રોલ પંપમાં ભિષણ આગ લાગી હતી અને પેટ્રોલ પંપ બળીને સંપૂર્ણ ખાક થઈ ગયો હતો. ત્યારબાદ તંત્રએ પેટ્રોલ પંપ માલિકો સામે જોઈએ તેવી જરૂરી કાર્યવાહી કરવામાં કચાસ રાખી હોવાની રાજકીય મોળશે ખૂબ ચર્ચા થઈ હતી!