રોડ તોડવાના મુદ્દે સૂચન થતા હવે રોડ તોડવાનો નિર્ણય પણ સ્થાયી સમિતિ કરે તેવી વડોદરા મ્યુનિસિપલ કમિશનરની સ્પષ્ટ વાત
વડોદરા,તા.21 ફેબ્રુઆરી 2024,બુધવાર
વડોદરા શહેરમાં રસ્તો બની ગયા પછી ખોદકામ કરવામાં આવે છે જેને કારણે કોર્પોરેશનની છાપ ખરાબ થાય છે જે અંગે અધિકારીની જવાબદારી નક્કી કરવી જોઈએ તેવું સૂચન સ્થાયી સમિતિ અધ્યક્ષ એ કર્યું જે સામે મ્યુનિસિપલ કમિશનર એ સ્પષ્ટ જણાવ્યું કે હવે રસ્તા ખોદકામ ના નિર્ણય માટે પણ સ્થાયી સમિતિમાં દરખાસ્ત મોકલીશું.
વડોદરા કોર્પોરેશનની બજેટની સભામાં વિવિધ મુદ્દે ચર્ચા દરમિયાન ઘણી વખત અધિકારીઓ દ્વારા લેવામાં આવતા નિર્ણયો અને થતા કામ અંગે સવાલો ઉઠવા પામ્યા હતા. ચર્ચા દરમિયાન સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ઘણી વખત રોડ બન્યા પછી ખોદકામ કરવામાં આવતા હોય છે અને ફરીથી નવીન રોડ પર ડામર પાથરી રોડ સરખો કરવો પડે છે. આ અંગે આપણું પણ ખરાબ દેખાય છે. જેથી રોડ તોડવાની બાબતમાં ચોક્કસ અધિકારીની જવાબદારી નક્કી કરવી જોઈએ. આ સમયે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું કે, જ્યારે કોઈ ચોક્કસ પરિસ્થિતિ હોય ત્યારે જ આપણે રોડ તોડવા પડે છે અને તેમ છતાં તમને એવું લાગતું હોય તો રોડ તોડવાના કામ અંગેનો નિર્ણય પણ હવે સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવે. મહિલા કાઉન્સિલર અમીબેન રાવતે જણાવ્યું તે પ્રમાણે, કેટલાક કામોમાં બિનજરૂરી સ્ટોપેજ ઊભા થયા છે તો સ્ટોપેજ અંગે પણ તમે (ચૂંટાયેલી પાખના સભ્યોએ) કમિટી બનાવી દો, a કમિટી જે નિર્ણય કરશે તે પ્રમાણે અમે કામ કરીશું. ચર્ચા દરમિયાન પાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલ (મંછા)એ જણાવ્યું કે, પરિસ્થિતિ મુજબ રોડ તોડવામાં ચોક્કસ અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવેલ છે. સીટી એન્જિનિયર સુધી મંજૂરીની પ્રક્રિયા બાદ રોડ તોડવાની કાર્યવાહી થતી હોય છે.