સંપૂર્ણ સફાઈની કામગીરી કરી હોવાનો દાવો કરતા અધિકારીઓને વડોદરા મ્યુનિસિપલ કમિશનરે ખખડાવ્યા : કહ્યું, મને ના સમજાવો..

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
સંપૂર્ણ સફાઈની કામગીરી કરી હોવાનો દાવો કરતા અધિકારીઓને વડોદરા મ્યુનિસિપલ કમિશનરે ખખડાવ્યા : કહ્યું, મને ના સમજાવો.. 1 - image


Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનના અનેક અધિકારીઓ માત્ર કામગીરીના બણગા ફૂંકી રહ્યા છે ત્યારે બીજી તરફ કમિશનર દ્વારા સમયાંતરે લેવાતી બેઠકમાં કમિશનરે એન્જિનિયરિંગ અને રોડ વિભાગના અધિકારીને ખખડાવ્યા છે.

ચોમાસા પછી નાગરિકોને યોગ્ય સુવિધા મળી રહે તે માટે કમિશનર પાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે તબક્કાવાર બેઠક કરી રહ્યા છે અને ઝડપથી નાગરિકોના પ્રશ્નનું નિવારણ આવે તેના પર ભાર મૂકી રહ્યા છે. આ દરમિયાન મળેલી એક બેઠકમાં એન્જિનિયરિંગ વિભાગના એક અધિકારીએ ડ્રેનેજ લાઈન અને કેચપીટની સંપૂર્ણ સફાઈ કરી હોવાથી ડ્રેનેજનો પ્રશ્ન હલ થયો છે તેવો દાવો કરતાં મ્યુન્સિપલ કમિશનરે એમને આગળ બોલતા અટકાવ્યા હતા. અને કહ્યું હતું કે, મને ખબર છે કે વરસાદના પાણીથી ડ્રેનેજ અને કેચપીટ સાફ થઈ છે. એટલે મને તમે ખોટું ના સમજાવશો. જેથી કામગીરીના ખોટા દાવા કરનાર અધિકારી ભોઠા પડ્યા હતા. તેવી જ રીતે, શહેરમાં અનેક જગ્યાએ વરસાદના પાણીના કારણે રોડ પર પડેલા ખાડા મામલે રોડ વિભાગના એક અધિકારીએ ઝડપથી કામગીરી થઈ છે અને ખાડા પૂરાણ કરી દેવાયું છે તેવું કહ્યું હતું. જેથી કમિશનરે તેમને પણ ટોક્યા હતા અને જણાવ્યું હતું કે, હજી મને ખબર છે ત્યાં સુધી ઘણી જગ્યાએ ખાડા છે. જ્યાં ખાડા પુરાવાના બાકી છે ત્યાં જઈ ખાડા પૂરો. ઉલ્લેખનીય છે કે, કમિશનર પાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો અને સામાન્ય જનતા તરફથી આવતી મુશ્કેલીઓ અંગેની રજૂઆતને ધ્યાને લઇ તાત્કાલિક તેના નિવારણનો આગ્રહ રાખતા હોય છે.


Google NewsGoogle News