વડોદરામાં જાહેર સ્થળોએ અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય ત્યાં ફાયર NOC સહિતના પુરાવા ધંધાર્થીઓને પ્રદર્શિત કરવા કોર્પોરેશનની સુચના
Vadodara Corporaton Fire Safety : રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાતમાં ફાયર એનઓસી, બિલ્ડીંગ યુઝ પરમિશન, ફાયર સેફટી વગેરે મુદ્દે તંત્ર એક્શનમાં આવ્યું છે, ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ છેલ્લા કેટલાક દિવસોથી બિલ્ડીંગો, શાળાઓ હોસ્પિટલો, હોટલો, થિયેટરો, દુકાનો ,ક્લાસીસ, ઓફિસો, શોરૂમ, પ્લે સ્કૂલ, મોલ વગેરે સ્થળે સીલ મારવાની કામગીરી ચાલી રહી છે ત્યારે જે સ્થળોએ લોકો મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય ત્યાં સલામતી અને સુરક્ષા જાળવવા ખાસ તાકીદ કરવામાં આવી છે.
આ ઉપરાંત જાહેર સલામતીને લગતા ફાયર એનઓસી, બિલ્ડીંગ યુઝ પરમિશન, જરૂર હોય ત્યાં પોલીસ વિભાગની એનઓસી વગેરે પરવાના લોકો જાહેરમાં જોઈ શકે તે રીતે લગાવવાની સૂચના જારી કરવામાં આવી છે. મનોરંજન સ્થળો, ધાર્મિક સંસ્થાનો, આરોગ્યની સુવિધાઓ પૂરી પાડતી હોસ્પિટલો અને અન્ય જાહેર સ્થળોએ કે જ્યાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય ત્યાં સલામતી જળવાઈ રહે તે ખાસ જરૂરી છે, અને આ માટે જરૂરી પરવાના કાયદાકીય જોગવાઈ અનુસાર મેળવવાના રહે છે. આવી જાહેર જગ્યાઓ પર લોકોને પોતાના જાનમાલની પુરી કાળજી લેવામાં આવી છે તે બાબતે લોકોમાં વિશ્વાસ ઉભો કરવા માટે જે તે સંસ્થાઓને પોતે લીધેલા આવા અગત્યના પરવાના જાહેરમાં લોકો જોઈ શકે તે રીતે પ્રદર્શિત કરવા કહ્યું છે. આવા જાહેર સ્થળોએ કે જ્યાં લોકો વધુ ભેગા થતા હોય ત્યાં મુખ્ય એન્ટ્રીમાં જ 3×2 ફૂટની જગ્યામાં ફાયર એનઓસીની વિગતો લોકો જોઈ શકે તે રીતે પ્રદર્શિત કરવા કહ્યું છે. આ ઉપરાંત તેઓના ધંધાના પ્રકાર મુજબ મેળવવાના થતા અન્ય પરવાના તેમજ એન.ઓ.સી ના પ્રમાણપત્રો, બિલ્ડીંગ યુઝ પરવાનગીની વિગતો, ઓક્યુપેશન સર્ટિફિકેટની માહિતી વગેરે પણ લોકો જોઈ શકે તે રીતે લગાડવા કોર્પોરેશન દ્વારા સૂચના આપવામાં આવી છે.