આજવામાંથી પાણી બંધ થતા વિશ્વામિત્રીની સપાટી ઘટી : કેચમેટ વિસ્તાર અને ગામડાઓ હજી પાણી-પાણી
Vadodara Rain Update : ગત બુધવારના રોજ વડોદરા અને આસપાસના વિસ્તારમાં પડેલ મુશળધાર વરસાદના પગલે શહેરમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજવા સરોવર ખાતે પણ જળસ્તરની સપાટી ખૂબ ઝડપભેર વધી જતા આજવામાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી હતી. ત્યારે હવે વડોદરા માટે મહદ અંશે રાહતના સમાચાર આવી રહ્યા છે. ગત સાંજે 6 વાગ્યાથી આજવા સરોવરના દરવાજા 212.15 ફૂટે સ્થિર કરાતા સરોવરમાંથી પાણીનું ઓવરફ્લો બંધ છે. અનેક કલાકો બાદ આખરે વિશ્વામિત્રીનું જળસ્તર ધીરે ધીરે ઘટવા લાગ્યું છે. આજવાના દરવાજા યથાવત રાખી વિશ્વામિત્રીની સપાટી ઘટાડ્યા બાદ તબક્કાવાર તેના દરવાજા ફરી નીચે કરવા અંગે તંત્ર વિચારશે.
વડોદરામાં ખાતે પડેલ મુશળધાર વરસાદ અને આજવા સરોવરમાંથી પાણી છોડાતા શહેરમાં જળ સંકટ ઊભું થયું છે. આજવામાંથી સતત પાણી છોડાતા વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું જળસ્તર ખૂબ વધી ગયું હતું. વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી હતી. ગઈ કાલે રાત્રે વિશ્વામિત્રી નદીની સપાટી 29.33 ફૂટની સપાટીએ પહોંચી હતી. આજવા સરોવરમાંથી ઓવરફ્લો બંધ થઈ જતા ધીરે ધીરે હવે વિશ્વામિત્રી નદીની સપાટી ઘટવા લાગી છે. આ લખાઈ રહ્યું છે ત્યારે વિશ્વામિત્રી નદીની સપાટી ઘટી હવે 28.9 થઈ છે પરંતુ બીજી તરફ આજવાના કેચમેટ વિસ્તાર જેમાં ખાસ કરીને ગામડાઓમાંથી પાણીનો અવિરત પ્રવાહ યથાવત રહેવા સાથે આજવાથી વડોદરા વચ્ચે આવેલ વિવિધ ખેતરોમાંથી ખેડૂત દ્વારા પાણી કાઢવાની કામગીરી થઈ રહી હોવાથી આજવામાંથી ઓવરફ્લો બંધ થઈ ગયે અંદાજે 18 કલાક થવા છતાં જોઈએ તેટલી વિશ્વામિત્રી નદીની સપાટી જોઈએ તેટલી ઘટી નથી. હજુ વિશ્વામિત્રી નદી ભયજનક 26 ફૂટ ઉપરની સપાટીએ વહી રહી છે.
બીજી તરફ આજે હજુ મંગલ પાંડે સહિત અન્ય કેટલાક બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવેલ છે. શહેરમાં જે બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયેલ છે તેમાં વિશ્વામિત્રીમાં જળસ્તરની સપાટી 27 ફૂટથી નીચે ગયા પછી બ્રિજ ખોલી દેવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું છે કે, વડોદરામાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં પાલિકા તંત્રએ નિચારવાળા વિસ્તારોમાંથી 4200 જેટલા લોકોનું સ્થળાંતર કર્યું છે અને જો હજુ જરૂર લાગશે તો વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે પરંતુ હાલ વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી ઘટી રહી છે.