કેજીના બાળકોને મસ્જિદની મુલાકાતે લઈ જવા સામે વીએચપી અને બજરંગદળનો વિરોધ
વડોદરાઃ શહેરના વડસર વિસ્તારમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા તા.૫, ઓગસ્ટ શુક્રવારે કેજીમાં અભ્યાસ કરતા બાળકોને મસ્જિદની મુલાકાતે લઈ જવાના નિર્ણયને લઈને વિવાદ સર્જાયો છે.
આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના આગેવાનોએ સ્કૂલની બહાર રામધૂન બોલાવીને આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.એ પછી સ્કૂલ સંચાલકોએ બાળકોને મસ્જિદમાં નહીં લઈ જવાય તેવી ખાતરી આપી છે.
વિશ્વ હિન્દુ પરિષદના સાઉથ ઝોન પ્રમુખ ધર્મેશ શર્મા તેમજ બજરંગદળના શહેર સંયોજક કેતન ત્રિવેદીનુ કહેવુ હતુ કે, સ્કૂલ દ્વારા આ માટે વાલીઓ પાસેથી સંમતિ મંગાવવામાં આવી હતી.જેમાં કહેવામાં આવ્યુ હતુ કે, સ્કૂલ દ્વારા તમારા સંતાનને મસ્જિદની મુલાકાતના કાર્યક્રમમાં લઈ જવાય તો તમને વાંધો નથી.કેટલાક વાલીઓએ આ બાબતે અમને જાણ કરી હતી.એ પછી અમે કાર્યકરો સાથે સ્કૂલ પર પહોંચ્યા હતા.અને રામધૂન સાથે દેખાવો કર્યા હતા.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળનુ કહેવુ છે કે, રજૂઆત બાદ આચાર્યએ ખાતરી આપી છે કે, બાળકોને મસ્જિદમાં લઈ જવાનો કાર્યક્રમ પડતો મુકવામાં આવશે.આમ છતા ૫ ઓગસ્ટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો સ્કૂલની બહાર હાજર રહેશે અને જો સ્કૂલ સંચાલકો બાળકોને મસ્જિદની મુલાકાત માટે લઈ જશે તો અમે એ પ્રકારની કાર્યવાહી કરીશું, જેના માટે બજરંગદળ જાણીતુ છે.
દરમિયાન આ મુદ્દે સ્કૂલના આચાર્યનો વારંવાર પ્રયત્ન કર્યા પછી પણ સંપર્ક થઈ શક્યો નહોતો.જોકે સ્કૂલ સાથે સંકળાયેલા કેટલાક સૂત્રોનુ કહેવુ હતુ કે, સ્કૂલ દ્વારા બાળકોને તમામ ધર્મોનો પરિચય કરાવવા માટે તમામ ધર્મોના ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જવાય છે અને તેમાં આ વખતે મસ્જિદમાં વિદ્યાર્થીઓને લઈ જવાના હતા.