તરસાલી લૂંટ વીથ મર્ડરના કેસના આરોપી વિશાલે પરીક્ષાના પેપર ફોડી નાંખતા સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો
છ મહિના પહેલા સયાજી હોસ્પિટલમાંથી સર્જીકલ બ્લેડ લઇ આવ્યો હતો : નશો કરવાની ટેવ છે
વડોદરા,તરસાલીની ભાઇલાલ પાર્ક સોસાયટીમાં પાડોશમાં રહેતા સિનિયર સિટિઝનની ઘરની લાઇટો બંધ કરી તેઓને ઘરની બહાર નીકળવા મજબૂર કરી હત્યા કરી સોનાના દાગીના લૂંટી લેનાર ૧૯ વર્ષના આરોપીએ સ્કૂલમાં પણ પરીક્ષાના પેપર ફોડી નાંખતા તેને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોવાની વિગતો મળી છે. તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
સુશેન તરસાલી રોડ પર ભાઇલાલ પાર્ક સોસાયટીમાં ૭૩ વર્ષના હરવિંદરસિંહ કમ્બો અને તેમના પત્ની સુખજીતકૌર (ઉં.વ.૭૧) એકલા રહે છે. ગઇકાલે રાતે તેઓ જમી પરવારીને સૂઇ ગયા હતા. તેમના પાડોશમાં રહેતા વિશાલ દિપકભાઇ સરોજે તેમના ઘરની લાઇટો બંધ કરી દેતા ૭૦ વર્ષના સુખજીતકૌર ઉઠીને ઘરની બહાર આવ્યા હતા. વિશાલે તેમના ગળા પર સર્જીકલ બ્લેડથી ઇજા પહોંચાડી હત્યા કરી સોનાના દાગીના લૂંટી લીધા હતા. પોલીસે વિશાલને ઝડપી પાડયો હતો. મકરપુરા પોલીસ સ્ટેશનના પી.આઇ. જે.એન. પરમારે આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સટ્રક્શન કરાવવામાં આવશે. આ ઉપરાંત તેની પાસેથી મળેલી બેન્ક ટ્રાન્જેક્શનની રિસિપ્ટની પણ તપાસ થશે. વિશાલે પોલીસને જણાવ્યું હતું કે, છ મહિના પહેલા હું મારા મિત્ર સાથે સયાજી હોસ્પિટલમાં ગયો હતો. ત્યાંથી હું સર્જીકલ બ્લેડ લઇ આવ્યો હતો. જે બ્લેડ હું મારા ખિસ્સામાં લઇને ફરતો હતો. વિશાલના મોંઢા પર ગુનો કર્યાનો કોઇ અફસોસ નથી. તેને નશો કરવાની આદત છે. વધુમાં, એવી વિગતો મળી છે કે, વિશાલ જ્યારે તરસાલીની ઉમા વિદ્યાલયમાં ભણતો હતો. ત્યારે તેણે પરીક્ષાના પેપર ફોડી નાંખતા તેને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ તે યુ.પી.થી ભણતો હતો. જે વિગતોની ખરાઇ પોલીસ કરી રહી છે. આ ગુનો કરતા પહેલા તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ ગુનામાં અન્ય કોઇની સંડોવણી અંગે પોલીસ તપાસ કરી રહી છે.