Get The App

CMO ના ઓફિસરના નામે ઠગાઇ કરતા વિરાજ ને આસામ લઇ જવાશે,મદદ કરનાર કોન્સ્ટેબલ છૂટી ગયાે

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
CMO ના ઓફિસરના નામે ઠગાઇ કરતા વિરાજ ને આસામ લઇ જવાશે,મદદ કરનાર કોન્સ્ટેબલ છૂટી ગયાે 1 - image

વડોદરાઃ સીએમઓના અધિકારીના નામે રૃઆબ છાંટી છેતરપિંડી કરનાર ઠગ વિરાજ પટેલને ભગાડવામાં મદદ કરનાર કોન્સ્ટેબલને જામીન પર છોડી દેવાયો હતો.

સીએમઓના અધિકારી તેમજ ગિફ્ટ સિટીના સીઇઓ જેવા હોદ્દાની ઓળખ આપી રોફ જમાવતા વિરાજ પટેલે મુંબઇની મોડેલને ગિફ્ટ સિટીની  બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાના નામે બળાત્કાર ગુજારી તેના એટીએમ કાર્ડ મારફતે રૃ.૯૦ હજાર ઉપાડી લીધા હતા.જેથી મોડેલે ફરિયાદ નોંધાવતા વિરાજની ગોત્રી પોલીસે ધરપકડ કરી હતી.

રેપ કેસમાં વિરાજને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટયો હતો.તેને પકડતાં વડોદરા પોલીસને નાકે દમ આવ્યો હતો.દસ ટીમો રાતદિવસ દોડધામ કરતી હતી ત્યારે વિરાજ પટેલ મિઝોરમની બોર્ડર ક્રોસ કરતાં પકડાઇ ગયો હતો.તેને ૯ દિવસના રિમાન્ડ પર લઇ આસામ લઇ જવાની તૈયારી કરાઇ રહી છે.

તો બીજીતરફ વિરાજે જાપ્તાના કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહને માતાને મળવા જવું છે..તેમ કહી તેની બાઇક લઇને ફરાર થઇ જતાં સસ્પેન્ડેડ હિતેન્દ્રસિંહની ધરપકડ કરવામાં આવી હતી.આજે તેનો  પોલીસ સ્ટેશનમાંથી જ જામીન પર છૂટકારો થયો હતો અને ત્યારબાદ અટકાયતી પગલાંરૃપે ફરીથી અટકાયત કરવામાં આવી હતી.

માતાને મળવા જવા કોન્સ્ટેબલે વિરાજને બાઇક આપી તે વાત ગળે ઉતરે તેમ નથી

સીએમઓના નામે રોફ ઝાડતો વિરાજ પટેલને ભગાડવામાં મદદગારી કરનાર પોલીસ કોન્સ્ટેબલની વાત ગળે ઉતરે તેમ નથી.

વિરાજે માતાને મળવા જવા માટે બાઇક માંગતા કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ભરતસિંહ પરમાર(જયરણછોડ સોસાયટી-૧,વાઘોડિયા રોડ)એ પોતાની બાઇક આપી હોવાની વિગતો બહાર આવતાં ગોત્રીના પીઆઇ આર એન પટેલે વિરાજ તેમજ કોન્સ્ટેબલની પૂછપરછ કરી હતી.

જો કે,કોન્સ્ટેબલ વિરાજની વાતથી પીગળી ગયો હોય અને માતાને મળવા જવા માટે પોતાની બાઇક આપી દીધી હોય તે વાત માનવા પોલીસ પણ તૈયાર નથી.જેથી વિરાજની પણ પૂછપરછ કરવામાં આવનાર છે.આ ઉપરાંત વિરાજે કોની કોની સાથે ફોન પર વાત કરી તે પણ પોલીસ માટે તપાસનો મહત્વનો મુદ્દો છે.

પાણીપતમાં બાઇક છોડી દેતાં હરિયાણા પોલીસની મદદ લેવાશે

વિરાજ પટેલ વડોદરાથી બાઇક પર ભાગ્યા બાદ અમદાવાદ ગયો હતો અને ત્યાં રૃપિયાની વ્યવસ્થા કર્યા બાદ બાઇક ઉપર જ હરિયાણાના પાણીપત સુધી ગયો હતો.ત્યાં તેણે બાઇક છોડી દીધી હતી અને ટ્રેનમાં આસામ ગયો હોવાની વિગતો ખૂલી છે.જેથી ગોત્રી પોલીસ બાઇક શોધવા માટે હરિયાણા પોલીસની મદદ લેશે.


Google NewsGoogle News