Get The App

વોટ્સએપ ગૃપના મેસેજ મુદ્દે બે જૂથ વચ્ચે હિંસક મારામારી

એક મહિલાના કપડાં ફાડી સોનાની ચેનની લૂંટ : બંને ગૃપની સામસામે ફરિયાદ

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
વોટ્સએપ ગૃપના મેસેજ મુદ્દે બે જૂથ વચ્ચે હિંસક મારામારી 1 - image

વડોદરા,ગુરુવાર : સાવલી તાલુકાના ટુંડાવ ગામના યુવાનોએ બનાવેલા ગામના પ્રશ્નો બાબતે બનાવેલા વોટ્સએપ ગૃપમાં રાજકીય મેસેજ બાબતે બોલાચાલી થયા બાદ વોટ્સએપ ગૃપનો ઝઘડો બહાર આવ્યો હતો અને બે જૂથ મારક હથિયારો સાથે સામસામે આવી જઇને હુમલો કર્યો હતો. આ અંગે પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી હતી.

ટુંડાવમાં પંચાયતની બાજુમાં રહેતા રાજદીપ અશોક રણાએ ગામમાં રહેતાં સમીર મનોજ રાઠોડ, આશીક ઉર્ફે નકલી જહુભાઇ રાઠોડ, સહેજાદ ઉર્ફે બાલો મનોજભાઇ રાઠોડ, મનોજ કેસરીસિંહ રાઠોડ, ભારતસિંહ છત્રસિંહ રાઠોડ અને સલીમ છત્રસિંહ રાઠોડ સામે હુલ્લડ, લૂંટ અને આબરૃ લૂંટવાના પ્રયાસની નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ઉપરોક્ત આરોપીઓએ ગામના વોટ્સએપ ગૃપમાં ભાજપ વિશે જુઠ્ઠાણું નહી ફેલાવવા બાબતે ઝઘડો થયો હતો અને તેની અદાવત રાખી ગામની હાઇસ્કૂલ પાસે લાકડી, ડંડા જેવા મારક હથિયારો સાથે હુમલો કરી માર માર્યો હતો તેમજ એક મહિલાના કપડાં ફાડી નાંખી અઢી તોલા સોનાની ચેન લૂંટી લઇ ધમકી આપી હતી.

સામા પક્ષે દિલીપ રૃપસિંહ રાઠોડે રાજદીપ અશોક રણા, અનિલ અશોક રણા, મોઇન પ્રવિણ રણા, ઇબ્રાહિમ છત્રસિંહ રણા, અશોક છત્રસિંહ રણા અને વિજય રાયસિંહ રણા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગામના માણસોએ ભેગા મળીને અવર ટુંડાવ નામનું વોટ્સએપ ગૃપ બનાવ્યું છે જેમાં ગામના પ્રશ્નોની ચર્ચા અને તેનો ઉકેલ લાવવા માટેના મેસેજની આપલે થતી હોય છે. આ ગૃપમાં મૂકાયેલ એક રાજકીય મેસેજના કારણે હાઇસ્કૂલ પાસે અમે ભેગા થયા ત્યારે ઉપરોક્ત આરોપીઓ ધારીયું, બેઝબોલ, લાકડી જેવા મારક હથિયારો સાથે આવી મને તેમજ મારા ભત્રીજા સાહિલ મનોજ રાઠોડને માર માર્યો હતો. ગામના લોકો વચ્ચે પડતાં હવે પછી જીવતો નહી છોડું તેવી ધમકી આપી હતી.


Google NewsGoogle News