માહિતી અધિકાર નિયમના ભંગનું કૃત્ય દંડ અને સજાને પાત્ર છે

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને માહિતી કમિશનરની કોર્ટે ફટકાર લગાવી

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
માહિતી અધિકાર નિયમના ભંગનું કૃત્ય દંડ અને સજાને પાત્ર છે 1 - image


વડોદરા : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાજ્ય સરકારના ઠરાવ મુજબ દર વર્ષે બે વાર ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ પ્રતિભાશાળી પ્રમાણપત્ર તથા ૫મી સપ્ટેમ્બરે વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવામાં આવે છે. જેમાં ઘણી ગેરરીતિ થતી હોવાથી એક શિક્ષકે કરેલી આરટીઆઇનો જવાબ દોઢ વર્ષથી અપાતો નહતો આખરે આજે માહિતી કમિશનરની કોર્ટે આ મામલે જવાબદારોની ઝાટકણી કાઢીને બે દિવસમાં તમામ માહિતી આપવા આદેશ કર્યો છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શેષ્ઠ શિક્ષક તેમજ પ્રતિભાશાળી શિક્ષક  પસંદગીની પ્રક્રિયાની માહિતી શિક્ષકે માગી હતી

આ શિક્ષકે જાન્યુ.-૨૦૨૩ ના સત્ર માટે પ્રતિભાશાળી પ્રમાણપત્ર તથા ૫મી સપ્ટે. ૨૦૨૨ માટે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અંગે ઉમેદવારી કરી હતી ત્યારે પણ ગેરરીતિ સામે રજૂઆતો કરી હતી જે બાદ જાન્યુ.-૨૦૨૩ માટે પ્રાથમિક શિક્ષણ નિયામક, ગાંધીનગરે પ્રમાણપત્ર વિતરણ સામે મનાઈ ફરમાવી હતી. છતાં સ્થાનિક નેતાગીરીની ભલામણોથી  પ્રમાણપત્ર વિતરણ કરાયા હતા.આખરે ભોગ બનનાર શિક્ષકે આરટીઆઇ કરેલી તેનો કોઈ જવાબ આવ્યો નહી, ત્યાર બાદ અપીલ કરેલ, તો કોઈ જ સુનાવણી હાથ ધરાયેલ નહી, છેલ્લે ગુજરાત માહિતી આયોગ સમક્ષ બીજી અપીલ કરેલી, છતાં કોઈ કાર્યવાહી થઇ નહતી.

 દરમિયાન આ કેસની સુનાવણી આજે તા.૩ સપ્ટે. ના રોજ વિડિયો કોન્ફરન્સથી કલેકટર કચેરીમાં માહિતી કમિશનરની કોર્ટમાં ચાલી જતા, પ્રા.શિક્ષણ સમિતિના જાહેર માહિતી અધિકારી (નિરીક્ષક)એ એવો બચાવ કર્યો હતો કે તેઓ તો ચાર્જમાં છે. ત્યારે કોર્ટે નિરિક્ષક ઉપરાંત પ્રથમ અપીલ અધિકારી (શાસનાધિકારી)ની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે 'ચાર્જ માં હોવું એટલે સ્વીકાર્યું હોય તો જ હોય, તેથી જાહેર માહિતી અધિકારી તરીકે જવાબદારી બને જ છે. માહિતી નહી આપી, જવાબ નહી આપી અને સુનાવણી નહી કરીને માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ નો સરિયામ ભંગ કરેલ છે. આ કૃત્ય દંડ અને સજાને પાત્ર છેે. પારદર્શી બનવું એજ આ કાયદાનો મૂળ હેતૂ છે.અરજદાર શિક્ષકને માંગ્યા મુજબની તમામ માહિતી વિનામૂલ્યે આપવા તેમજ અસંતોષ જણાય તો અરજદાર કેસ રીઓપન કરાવી શકે છે તેમ કોર્ટે આદેશ કર્યો હતો.


Google NewsGoogle News