વડોદરા જિ.પંચાયતમાં નિયમોને નેવે મુકી વહીવટઃ સામાજિક ન્યાય સમિતિની રચનામાં જ વાલ્કિમીક સમાજને અન્યાય

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
વડોદરા જિ.પંચાયતમાં નિયમોને નેવે મુકી વહીવટઃ સામાજિક ન્યાય સમિતિની રચનામાં જ વાલ્કિમીક સમાજને અન્યાય 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતમાં નિયમોનો સરેઆમ  ભંગ થઇ રહ્યો હોય તેવા બનાવ બની રહ્યા હોવાથી વહીવટી પાંખને કારણે ચૂંટાયેલી પાંખને વિવાદમાં આવવું પડે તેવો ઘાટ ઘડાયો છે.

તાજેતરમાં જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખની પહેલી મીટિંગમાં સચિવ તરીકે હાજર રહેલા ડીડીઓની સામે જ  પ્રમુખે સમિતિઓની રચના જાહેર કરી તેમાં ચેરમેનોના નામનું પેપર ફોડી નાંખતા વિખવાદ સર્જાયો હતો.નિયમ મુજબ,સમિતિઓની રચના પંચાયતની સામાન્ય સભા કરતી હોય છે અને ત્યારબાદ સમિતિઓની અલાયદી મીટિંગમાં ચેરમેનની ચૂંટણી થતી હોય છે.

હવે આવી જ રીતે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બનાવવામાં આવેલી જુદીજુદી આઠ સમિતિઓમાંથી મહત્વની એવી સામાજિક ન્યાય સમિતિની રચનામાં પણ ભાંગરો વટાઇ ગયો હોવાનો મુદ્દો ચર્ચાની એરણે ચડયો છે.

આજે જિલ્લા પંચાયતમાં જિલ્લા પ્રમુખ અને ડીડીઓ સમક્ષ થયેલી રજૂઆતમાં એવો આક્ષેપ કરાયો છે કે,સામાજિક ન્યાય સમિતિની રચનામાં સફાઇ કામદાર વર્ગના એક પ્રતિનિધિને લેવાનો હોય છે.પરંતુ આ વખતે જે સમિતિ બનાવી છે તેમાં નિયમ મુજબ વાલ્મિકી સમાજને સ્થાન આપવામાં આવ્યું નથી.જો પંચાયત તેની ભૂલ નહિં સુધારે તો આગામી તા.૯મીએ હલ્લાબોલનો કાર્યક્રમ આપવાની પણ ચીમકી આપવામાં આવી છે.

આઠ સમિતિઓના ચરમેનોની તા. 16 મીએ વરણી

જિલ્લા પંચાયતની આઠ સમિતિઓની રચના થઇ ગયા બાદ હવે દરેક સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવનાર છે.જે માટે આગામી તા.૧૬મીએ જિલ્લા પંચાયત ખાતે દરેક સમિતિની મીટિંગ બોલાવવામાં આવી છે.


Google NewsGoogle News