સભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ શિક્ષણ સમિતિના સભ્યની ચૂંટણી 21 દિવસમાં કરવાના નિયમનો ભંગ : તા.25મીએ એક સભ્યની ચૂંટણી થશે
Vadodara Education Committee : વડોદરા કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ હેમાંગ જોશીએ સભ્ય અને હોદ્દા પરથી રાજીનામું આપ્યા બાદ એક સભ્યની ચૂંટણી આગામી તા.25મી જુલાઈએ બપોરે 12:00 વાગ્યે થશે. મતદાન પૂર્ણ થયા બાદ બપોરે 3:30 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે. જો કે નિયમ પ્રમાણે કોઈ સભ્યએ રાજીનામું આપ્યું હોય તેના 21 દિવસમાં નવા સભ્યની નિયુક્તિ કરવા અંગે ચૂંટણી કરવાની હોય છે. પરંતુ એક સભ્યની ચૂંટણી માટેનું જાહેરનામું મોડે-મોડે થી કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
આ અંગે તા.11મી જુલાઈએ બપોરે 12:00 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી પાલિકાની સયાજીરાવ સભા ગૃહ ખંડેરા માર્કેટ ખાતેથી ઉમેદવારી પત્ર મળી શકશે અને ઉમેદવારી ચકાસણીની તારીખ 18મી જુનનાં રોજ થશે. જ્યારે મતદાનની તારીખ 25 જુલાઈ બપોરે 12:00 થી ૩ સુધી મતદાન થઈ શકશે અને તે જ દિવસે મતદાન પૂર્ણ થયા બાદ 3:30 વાગ્યાના સુમારે ગણતરી ખંડેરા માર્કેટ સયાજી સભા ગૃહ ખાતે થશે.