વડોદરામાં વરસાદ અને વિશ્વામિત્રીના પૂરથી ભારે નુકસાનની વિજિલન્સ કે જ્યુડિશિયલ તપાસ કરો : કોંગ્રેસ
Vadodara Vishwamitri Flooding : વડોદરામાં અવારનવાર વિશ્વામિત્રી નદીના પૂર અને ભારે વરસાદને કારણે શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થઈ ગયું છે જે માટે વડોદરા કોર્પોરેશનનું તંત્ર જવાબદાર છે. વરસાદી કાંસ પર ગેરકાયદે બાંધકામો કરી પૂરાણ કરનારા બિલ્ડરો અને અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તે જરૂરી છે અને આ સમગ્ર કિસ્સાઓની વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી માંગણી કોંગ્રેસે કરી છે.
કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશી અને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરીને તાજેતરની પરિસ્થિતિ અંગે વિજિલન્સ તપાસની અથવા જ્યુડીસીઅલ તપાસની માંગ કરવામાં આવી છે.
આ આવેદન પત્રમાં જણાવ્યું છે કે,વડોદરા શહેરમાં પાણી ભરાવાની સમસ્યાનું મૂળ કારણ વડોદરા પાલિકા દ્વારા લગભગ 10 જેટલી કુદરતી વરસાદી કાંસો જે 15થી 25 મીટર પહોળી હતી તેને બિલ્ડરોના ઇશારે માત્ર 3થી 5 મીટર જેટલી સાંકડી કરી દેવાઇ છે. જેથી વરસાદી પાણીનો નિકાલ પાંચમા ભાગનો થઈ ગયો. ઉપરાંત બાંધકામ પરવાનગી વિભાગે બિલ્ડરો માટે જીડીસીઆરને માળીયે ચઢાવી, નિયમ મુજબ વિશ્વામિત્રી નદી કિનારેથી 30 મીટર માંર્જીન છોડવાના અને કુદરતી વરસાદી કાંસના છેડેથી 9 મીટર માર્જીન છોડવાના નિયમને અભરાઈએ તો ચડાવી દીધો સાથે કુદરતી વરસાદી કાંસોની ઉપર રોડ-રસ્તા અને પાર્કિંગ મંજુર કરી આપ્યા છે. સમયસર નિર્ણય ન લેવાને કારણે વડોદરા શહેર અને ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં માનવસર્જિત હોનારતના લીધે વડોદરાના વિસ્તારો, સોસાયટીઓના રોડ રસ્તાઓ ડૂબવાના માટે જવાબદાર સરકારી તંત્ર છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલા પ્રીમોન્સુનની કામગીરીમાં બેદરકારી અને ભ્રષ્ટાચારની વિજિલન્સ તપાસ અને વડોદરા શહેરના પૂર પાછળના કારણો અને તંત્રની ગંભીર બેદરકાર ભ્રષ્ટાચારના લીધે થયેલી તારાજી સામે જ્યુડિશિયલ તપાસ કરવી જોઈએ અને જવાબદારો સામે કાયદાકીય પગલાં લેવા માંગણી કરી છે. તંત્રની નિષ્કાળજી અને વર્ષોના બેદરકારીભર્યા વહીવટ, વિશ્વામિત્રીના પૂર અને આજવાનું મેનેજમેંટ કરવામાં આયોજનનો અભાવ, શહેરમાં કુદરતી કાંસો-તળાવો પૂરવામાં આવ્યા. આયોજનના અભાવથી વરસાદના પાણીને જવાના રસ્તાઓ ન હોવાના કારણે અને તંત્રની આ બાબતે ગંભીર બેદરકારીના કારણે કરોડોનું નુકશાન જાહેર જનતાને થયેલ છે.
તંત્રની નિષ્કાળજી, વિશ્વામિત્રી નદીના પૂર અને આજવા સરોવરના પાણીના લેવલ બાબતે સમયસર કોઈ ઠોસ નિર્ણય લેવામાં કરાયેલી બેદરકારી, પ્રીમોન્સુનમાં બેદરકારી અને ભ્રષ્ટાચારના લીધે શહેર ડુબી ગયું છે. જેથી લોકોને કરોડોનું નુકશાન થયુ છે.
શું વડોદરા વિશ્વામિત્રીના પૂર કે વરસાદના કારણે ડૂબ્યું ? હકીકત એ છે કે દર વર્ષે 2 થી 5 ઇંચમાં શહેરના વિસ્તારો, રસ્તાઓ, રોડ ડૂબી જાય છે. એ જ રીતે આ વરસાદમાં આખું શહેર ડૂબી ગયેલ છે. તરસાલી, ગોરવાના વિસ્તારો વિશ્વામિત્રીના પૂરના કારણે ડૂબ્યા છે. અલકાપુરીના વિસ્તારો વિશ્વામિત્રીના પૂરના કારણે લોકો હેરાન પરેશાન થયા છે. સુભાનપૂરા, ઇલોરાંપાર્કના વિસ્તારો વિશ્વામિત્રીના પૂરના કારણે ડૂબી જતા લોકો હેરાન પરેશાન થયા છે. વાઘોડિયા, આજવા રોડના વિસ્તારો વિશ્વામિત્રીના પૂરના કારણે ડુંબ્યા છે એ પણ એક હકીકત છે. નવાયાર્ડ, રેલ્વે કોલોનીના વિસ્તારો વિશ્વામિત્રીના પૂરના કારણે ડુંબ્યા અને ગોત્રીના વિસ્તારો પણ વિશ્વામિત્રીના પૂરના કારણે ડુંબ્યા હતા. છાણી જકાતનાકાના વિસ્તારો વિશ્વામિત્રીના પૂરના કારણે અને છાણી ગામ, બાજવા રોડ, જીએસએફસીના વિસ્તારો વિશ્વામિત્રીના પૂરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા.
તાંદળજા (ઓલ્ડ પાદરાના વિસ્તારો પણ આ જ રીતે ડૂબ્યા છે. આવી જ રીતે વિશ્વામિત્રી નદી પંચમહાલ જિલ્લા, વડોદરા શહેર અને જિલ્લા અને ભરૂચ જિલ્લાના વિસ્તારોમાંથી પસાર થાય છે. વિશ્વામિત્રી નદી પાવાગઢથી નીકળી 135 કી.મી.માં ઢાઢર નદી, ખાનપુર નદીઓને મળી ખંભાતના અખાતમાં વિલીન થાય છે. આ નદી આ પુનઃઉત્થાન અને પૂર નિયંત્રણ માટે વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીની સ્થાપના થાય તેવી માંગણી છે. આ ઉપરાંત વિશ્વામિત્રી નદીનો વડોદરા શહેરને આવરી લેતો 35 કીમીનો પટ અને તેના તમામ કાંસો/કોતરોનો વિસ્તાર (એરિયા અને પટ) જાહેર કરવામાં આવે. અને જેમાં જેમાં સરકારી કે ગેરસરકારી થયેલા દબાણો, પુરાણ દૂર કરવામાં માંગ કરવામાં આવી છે.
વિશ્વામિત્રી નદીમાં સંજયનગર, સમા ખાતે અગોરા મોલના તંત્ર દ્વારા સરકારી જમીન અને નદીમાં 1 લાખ ચો. ફૂટ નદીમાં પુરાણ કરીને ગેરકાયદે રીતે 7-મીટર જાડી દીવાલ બાંધેલ છે. જેના સત્તાવાર પુરાવાઓ છે. આ ઉપરાંત ઓડનગર, બેન્કર્સ હોસ્પિટલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બાલાજી ગ્રૂપ દ્વારા ગેરકાયદેસર રીતે કુદરતી પાણીનો કાંસ અને વરસાદી પાણી જવાના વહેણ પર દબાણ કરીને નાની ચેનલ બનાવી ઢાંકીને તેના પર કોર્પોરેશન દ્વારા રોડ બનાવવામાં આવ્યો છે. તે તદન ગેરકાયદે છે. કુદરતી કાંસ પૂરવાનો ગુન્હો કરેલ છે અને આ કાંસને પુરવાથી ઓડનગરની પાછળની આશરે 50થી વધારે સોસાયટીના મકાનોમાં અને દુકાનોમાં આર્થિક નુકશાન થયું છે. આ બાબતે આ તાત્કાલિક કાંસને ખુલ્લો કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ અને બિલ્ડર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે. તથા વિશ્વામિત્રી નદી અને સાથે સંકળાયેલા તળાવો, કાંસો-કોતરો તથા ભૂખી કાંસ, મસિયા કાંસ, રૂપારેલના કાંસોમાં કોર્પોરેશન અને ખાનગી લોકો દ્વારા કરેલા પુરાણો વિશે રજૂઆત કરેલ છે.