એમ.એસ.યુનિ.ના કેમ્પસમાં નમાઝ પઢવાનો વધુ એક વીડિયો વાયરલ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ કેમ્પસની સિક્યુરિટી માટેનુ બજેટ ૪ કરોડ રુપિયા કરતા પણ વધારી દીધુ છે.આમ છતા પણ સિક્યુરિટીના નામે કેમ્પસમાં પોલમ પોલ ચાલી રહી છે.જેનો વધુ એક પૂરાવો આજે મળ્યો હતો.
યુનિવર્સિટીમાં જાહેરમાં નમાઝ પઢવાનો વધુ એક વીડિયો આજે વાયરલ થયો હતો.મળતી વિગતો પ્રમાણે ડી એન હોલ ગ્રાઉન્ડ પાસે સંસ્કૃત વિદ્યાલયની બાજુમાં આવેલી જગ્યા પર એક વ્યક્તિ નમાઝ પઢતો જોવા મળ્યો હતો અને તેનો વીડિયો એક વિદ્યાર્થીએ ઉતારી લીધો હતો.કેટલાક વિદ્યાર્થીઓએ તેની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યુ હતુ કે, આ વ્યક્તિ દાહોદનો છે અને તેને યુનિવર્સિટી સાથે કોઈ લેવા દેવા પણ નથી.એ પછી વિદ્યાર્થીઓએ તેની સાથે બોલાચાલી પણ કરી હતી અને કેમ્પસમાંથી તે રવાના થઈ ગયો હતો.
સમગ્ર ઘટનાક્રમમાં સિક્યુરિટીની તો ક્યાંય હાજરી જોવા મળી જ નહોતી.કરોડો રુપિયા ખર્ચ્યા પછી પણ યુનિવર્સિટીના સિક્યુરિટી અને વિજિલન્સ તેમજ તેના અધિકારીઓ હેડ ઓફિસમાં માત્ર વાહન પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવા સિવાય બીજુ કોઈ કામ હજી સુધી કરી શક્યા હોય તેમ લાગતુ નથી.ઉલટાનુ હવે તો સિક્યુરિટી ગાર્ડની સંખ્યા ઘટી ગઈ હોવાથી કેમ્પસમાં પણ દરેક જગ્યાએ સિક્યુરિટી જવાનો નજરે પડતા નથી.યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો આ પહેલો કિસ્સો નથી.આ પહેલા પણ આવી ઘટનાઓ બની ચુકી છે.જોકે હવે જ્યારે કોમન એકટ લાગુ થયો છે ત્યારે સિક્યુરિટીની પોલમપોલ સામે વિરોધ કરનાર પણ કોઈ રહ્યુ નથી .કેમ્પસમાં એમ પણ રોજ સેંકડો બહારના વ્યક્તિઓ બેરોકટોક અવર જવર કરી રહ્યા છે અને તેમને રોકવામાં પણ સિક્યુરિટી અને વિજિલન્સ નિષ્ફળ ગઈ છે.
યુનિ.ના કોન્વોકેશન મેદાન પાસેથી દારુની ખાલી બોટલો મળી
યુનિવર્સિટીના સિક્યુરિટી ઓફિસરની ઓફિસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે જ આવેલી છે અને આ જ ઓફિસથી થોડા જ ફૂટના અંતરે યુનિવર્સિટીના કોન્વોકેશન ગ્રાઉન્ડ પાસેથી દારુની ખાલી બોટલો અને દેશી દારુની ખાલી કોથળીઓ મળી આવતા ચકચાર મચી ગઈ છે.જો સિક્યુરિટી ઓફિસથી થોડે જ દૂર આ પ્રકારની સ્થિતિ હોય તો મુખ્ય કેમ્પસમાં સુરક્ષાની સ્થિતિ પર સવાલો ઉભા થવા સ્વાભાવિક છે.બીજી તરફ યુનિવર્સિટીના પીઆરઓએ કહ્યુ હતુ કે, આ મુદ્દે અમે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહ્યા છે.સિક્યુરિટી અને વિજિલન્સને અગાુ પણ સર્ચ કરવા માટે અને પેટ્રોલિંગ કરવા માટે કહેવામાં આવ્યુ છે.જોકે ખાલી બોટલો કોઈ અહીંયા ફેંકી ગયુ હતુ કે આ જ સ્થળે દારુ પણ પીવાયો હતો તેની પણ તપાસ થવી જોઈએ.
ડી એન હોલ પર ત્રણ વ્યક્તિઓ બેરોકટોક ડ્રોન ઉડાવી ગયા
સમગ્ર શહેરમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે અને ડી એન હોલ મેદાન પર ત્રણ વ્યક્તિઓ આજે બેરોકટોક ડ્રોન ઉડાવતા નજરે પડયા હતા.ચર્ચાતી વિગતો પ્રમાણે ડ્રોન વેચનારા એક યુવકે બે ગ્રાહકોને બોલાવીને ડી એન હોલ ગ્રાઉન્ડ પર જ ડ્રોન કેવી રીતે ઓપરેટ થાય છે તેનો લાઈવ ડેમો આપ્યો હતો અને યુનિવર્સિટીના સિક્યુરિટી તથા વિજિલન્સે પણ તેમને રોકવાનો પ્રયાસ કર્યો નહોતો અથવા તો સિક્યુરિટી જવાનો અહીંયા હાજર જ નહોતા.