વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની ના, કોમર્સમાં 1400 બેઠક વીસી વધારશે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓના મુદ્દે શરુ થયેલા આંદોલન બાદ વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવને આજે ગાંધીનગરથી તેડુ આવ્યુ હતુ.
શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ વડોદરા પરત આવેલા વાઈસ ચાન્સેલરે એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરીને કહ્યુ હતુ કે, કોમર્સ ફેકલ્ટીની કુલ બેઠકોના ૭૦ ટકા બેઠકો પર અત્યારે વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે પણ હવે ૭૦ની જગ્યાએ ગત વર્ષની જેમ ૯૫ ટકા બેઠકો પર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.આ માટે કોમર્સમાં ૧૪૦૦ બેઠકો વધારવામાં આવશે અને તેના પર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે.સાથે સાથે બહારગામના જે વિદ્યાર્થીઓ પ્રવેશ નહીં લે તે બેઠકો પણ વડોદરાના વિદ્યાર્થીઓથી ભરવામાં આવશે.આમ એફવાયમાં લગભગ ૭૨૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.આ ઉપરાંત વડોદરાના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આર્ટસમાં બેઠકો વધારવાનો પ્રયાસ થશે.
ડો.શ્રીવાસ્તવે કહ્યુ હતુ કે, આ નિર્ણય સરકારની સંમિતથી અને સરકારમાં બેઠેલા સાથે ચર્ચા કરીને જ લેવામાં આવ્યો છે.જોકે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જાહેરાત કરવાનો તેમઔણે ઈનકાર કરી દીધો હતો અને કહ્યુ હતુ કે, આ પ્રકારે ખાતરી આપવી શક્ય નથી.અમારી પાસે વધારે વિદ્યાર્થીઓને ભણાવવા માટે જગ્યા કે સુવિધા નથી.એવી આશા છે કે, જે બેઠકો વધારવાનો નિર્ણય લેવાયો છે તેના કારણે વડોદરાના મોટાભાગના વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ જશે.
સરકાર વડોદરાને અન્યાય કરી રહેલા વીસીની પડખે
વીસીના હઠાગ્રહના કારણે પ્રવેશ આંદોલન વધારે ભડકે તેવી શક્યતા
સરકારમાં વીસીએ ધાર્યુ કરાવ્યુ તેવી ચર્ચા, ખાનગી કોલેજોમાં વાલીઓ કમરતોડ ફી કેવી રીતે ભરશે?
વાઈસ ચાન્સેલરે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપવાનો હઠાગ્રહ યથાવત રાખ્યો છે અને તેના કારણે યુનિવર્સિટીમાં પ્રવેશ આંદોલન વધારે ભડકે તેવી શક્યતા છે.કારણકે આજે આંદોલનકારીઓ તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે ૪૮ કલાકનો સમય છે તેવુ અલ્ટીમેટમ આપી ચૂકયા છે.જોકે વાઈસ ચાન્સેલર એકના બે થવા તૈયાર નથી અને તેના કારણે વડોદરાના લોકોનો રોષ વધારે ભડકી ઉઠે તેવી શક્યતા છે.વડોદરાના લોકોને તો હવે એવુ પણ લાગી રહ્યુ છે કે, ગુજરાતની સરકાર વડોદરાના લોકોને અન્યાય કરી રહેલા વાઈસ ચાન્સેલરની પડખે છે.સરકાર એવુ પણ વિચારવા તૈયાર નથી કે કમરતોડ મોંઘવારીથી પહેલેથી જ બેવડ વળી ગયેલા લોકો પોતાના સંતાનોને ખાનગી કોલેજોમાં બીકોમ કરાવવા માટે કે બહારગામ મોકલવા માટેના પૈસા ક્યાંથી લાવશે? ઉપરાંત પોતાનુ ધાર્યુ કરીને વાઈસ ચાન્સેલરે સરકારનુ નામ કાપી લીધુ છે.