વીસીના ભાષણ દરમિયાન ઉભા થઈને જઈ રહેલા અધ્યાપકને વીસીએ તતડાવી નાંખ્યા

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
વીસીના ભાષણ દરમિયાન ઉભા થઈને જઈ રહેલા અધ્યાપકને વીસીએ તતડાવી નાંખ્યા 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સંસ્કૃત મહાવિદ્યાલયની ઘટના અધ્યાપક આલમમાં ભારે ચર્ચાનો વિષય બની છે.સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૦૮ વર્ષ પૂરા થવા નિમિત્તે આજે વાઈસ ચાન્સેલર અને તમામ ફેકલ્ટી ડીનોનુ સન્માન કરવાનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના કોઈ પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં પોતે જો હાજર રહેવાના હોય તો પોતાનો ફોટો હોવો જોઈએ તે સહિત ચોક્કસ પ્રકારના પ્રોટોકોલનો આગ્રહ રાખનારા વાઈસ ચાન્સેલર પ્રો.શ્રીવાસ્તવે આ કાર્યક્રમમાં મહાવિદ્યાલયના અધ્યાપકને જાહેરમાં તતડાવી નાંખ્યા હતા.

અધ્યાપક આલમમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે વાઈસ ચાન્સેલર જ્યારે ભાષણ કરી રહ્યા હતા ત્યારે એક અધ્યાપક કોઈ કામસર ઉભા થયા ત્યારે પ્રો.શ્રીવાસ્તવનો પિત્તો ગયો હતો.સામાન્ય રીતે વાઈસ ચાન્સેલર બોલતા હોય ત્યારે કોઈ અધ્યાપક ઉભા થઈને બહાર ના જઈ શકે તેવો કોઈ નિયમ તો દુનિયાની કોઈ યુનિવર્સિટીમાં નથી પણ આ અધ્યાપક ઉભા થયા ત્યારે વાઈસ ચાન્સેલરને  પોતાનુ અપમાન થયુ હોય તેમ લાગ્યુ હતુ.

પ્રો.શ્રીવાસ્તવે તમામ લોકોની હાજરીમાં ત્રણ મિનિટ સુધી અધ્યાપકની ઝાટકણી કાઢી હતી અને કહ્યુ હતુ કે , એક બાજુ તમે મને કુલગુરુ કહો છો અને કુલગુરુ બોલતા હોય તો ગુરુ ઉભા થઈને જતા રહે છે.દરમિયાન અધ્યાપકે સ્પષ્ટતા કરવાની કોશિશ પણ કરી હતી કે, મને આર્ટસના ડીને એક પ્રિન્ટ આઉટ લેવા માટે કહ્યુ હતુ અને તેના કારણે મારે ઉભા થવુ પડયુ છે.જોકે વાઈસ ચાન્સેલર અધ્યાપકનો ખુલાસો સાંભળવાના મૂડમાં પણ નહોતા.જાહેરમાં થયેલા અપમાનના કારણે આ અધ્યાપક રડુ રડુ થઈ ગયા હતા.કેટલાકનુ કહેવુ હતુ કે, ઓફિસમાં જઈને તેઓ એકલામાં રડી પણ પડયા હતા.

વીસી પર અગાઉ પણ અપમાનના આરોપ લાગી ચુકયા છે

વાઈસ ચાન્સેલર અધ્યાપકો અને ડીનોની સાથે અપમાનજનક વ્યવહાર કરતા હોવાના આક્ષેપ પહેલા પણ થઈ ચુકયા છે.આ પહેલા પરફોર્મિંગ આર્ટસના ડીન પ્રો.ભાવસારે આ જ મુદ્દા પર રાજીનામુ ધરી દીધુ હતુ.જેમને પાછળથી સમજાવી લેવાયા હતા.ફેકલ્ટી ઓફ ફાર્મસીના ડીન તો વાઈસ ચાન્સેલરના અપમાનના કારણે ચાલુ બેઠકે રડી પડયા હોવાનો આક્ષેપ સંકલન સમિતિના સિન્ડિકેટ સભ્યે પણ કર્યો હતો.જોકે આવી ઘટનાઓ બનતી હોવા છતા અધ્યાપક સંગઠનો બુટા અને શૈક્ષિક સંઘ એક હરફ પણ ઉચ્ચારી શકતા નથી તે આશ્ચર્યની વાત છે.

કાર્યક્રમમાં ઓછા લોકોની હાજરી જોઈને પણ વીસી નારાજ

મહાવિદ્યાલયના કાર્યક્રમમાં આમંત્રિતોની ઓછી સંખ્યા જોઈને પણ વાઈસ ચાન્સેલરે નારાજગી વ્યક્ત કરી હતી.હાજર રહેલા આમંત્રિતોનુ કહેવુ છે કે, પ્રો.શ્રીવાસ્તવે કહ્યુ હતુ કે, મહાવિદ્યાલયના ૧૦૮ વર્ષ પૂરા થયા છે પણ અહીંયા ૧૦૮ લોકો પણ હાજર નથી.આ કયા પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે?



Google NewsGoogle News