વાઇબ્રન્ટ ઇમ્પેક્ટ : ચાર દિવસમાં મુખ્ય માર્ગો ઉપરથી 546 દબાણો હટાવાયા
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં
મહાત્મા મંદિર તરફ જનાર તમામ માર્ગો ઉપર કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૃ કરવામાં આવી
પાટનગર ગાંધીનગર શહેરમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટને પગલે
મહાનગરપાલિકા સહિત તમામ તંત્ર શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવામાં લાગી ગયા છે
ત્યારે કોર્પોરેશન દ્વારા શહેરમાં બ્યુટીફિકેશનની સાથે દબાણ હટાવવાની ઝુંબેશ પણ
શરૃ કરી દેવામાં આવી છે. ખાસ કરીને મહાત્મા મંદિર તરફ જનાર તમામ માર્ગો ઉપર આ
કામગીરી શરૃ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવા માટે ત્રણ રૃટ નિયત
કરવામાં આવ્યા છે.
જેમાં રાજભવનથી ઇન્દિરા બ્રિજ, સરગાસણથી
વૈષ્ણોદેવી સર્કલ અને રક્ષા શક્તિ બ્રિજથી મહાત્મા મંદિર તરફનો રુટ, આ માર્ગ ઉપર સતત
કોર્પોરેશનની એસ્ટેટ શાખાની ટીમો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને
માર્ગો ઉપરથી લારી ગલ્લાના દબાણો હટાવવામાં આવી રહ્યા છે. છેલ્લા ચાર જ દિવસમાં
૫૪૬ જેટલા દબાણો હટાવી દેવામાં આવ્યા છે અને વાઇબ્રન્ટ સમિટ સુધી આ માર્ગ ઉપર નહીં
દેખાવા માટે પણ દબાણકારોને તાકીદ કરી દેવામાં આવી છે નહીંતર તેમનો માલ સામાન પણ
જપ્ત કરી લેવામાં આવશે. એટલું જ નહીં એસ્ટેટ શાખા દ્વારા બિનજરૃરી રીતે માર્ગો ઉપર
લાગેલા હોડિંગ થાંભલા અને ઝુંપડા પણ હટાવવામાં આવ્યા છે. તો આ વીવીઆઈપી માર્ગ ઉપર
બંને બાજુ બિનજરૃરી રીતે પડેલા આઠ ટ્રક જેટલા કાટમાળને પણ હટાવવામાં આવ્યો હતો.
કોર્પોરેશન દ્વારા વાઇબ્રન્ટ સમિટ સુધી આ રૃટ ઉપર ખાસ તકેદારી રાખવામાં આવનાર છે
અને લારી ગલ્લા હટાવવાની સાથે સફાઈ ઉપર પણ પૂરતું ધ્યાન આપવામાં આવશે.