વડોદરાની વિબગ્યોર સ્કૂલને વધુ ફી લેવા બદલ બે લાખનો દંડ, વધારાની ફી પણ પાછી આપવા FRCનો આદેશ

Updated: May 29th, 2024


Google NewsGoogle News
વડોદરાની વિબગ્યોર સ્કૂલને વધુ ફી લેવા બદલ બે લાખનો દંડ, વધારાની ફી પણ પાછી આપવા FRCનો આદેશ 1 - image


Vadodara News : વાલીઓ પાસેથી એફઆરસી(ફી રેગ્યુલેશન કમિટિ)એ નક્કી કરેલી ફી કરતા વધુ ફી વસૂલવા બદલ વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી વિબગ્યોર સ્કૂલને મધ્ય ગુજરાત ઝોનની એફઆરસી દ્વારા બે લાખ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે.

વિબગ્યોર હાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા 15 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓએ એફઆરસી સમક્ષ સ્કૂલ દ્વારા 2017-18થી એફઆરસી દ્વારા જે પણ ફી નક્કી કરવામાં આવે તેના કરતા વધારે ફી વૈકલ્પિક ફીના નામે વસૂલવામાં આવતી હોવાની ફરિયાદ કરી હતી. સાથે સાથે બે વાલીઓનુ એવુ પણ કહેવું હતું કે, સ્કૂલ દ્વારા પ્રાઈમરી સેક્શનમાં કેમ્બ્રિજ ઈન્ટરનેશનલ એજ્યુકેશનના નામે વાલીઓ પાસેથી ફી લેવામાં આવી હતી. હકીકતમાં સ્કૂલ પાસે 2023-24માં આ ફી લેવામાં આવી ત્યારે સીઆઈઈના વર્ગોની મંજૂરી નહોતી તેમજ આ માટેની ફી પણ એફઆરસી પાસે મંજૂર કરાવી નહોતી.

એફઆરસીના સભ્ય ધવલ પુરોહિતે કહ્યું હતું કે, આ ફરિયાદ મળ્યા બાદ કમિટિએ વાલીઓ અને સ્કૂલના પ્રતિનિધિઓની 6 થી 7 સુનાવણી રાખી હતી. એફઆરસીએ વાલીઓની ફરિયાદ મંજૂર રાખી છે અને 2017 થી 2024 સુધી સ્કૂલે જેટલી પણ વધારે ફી વસૂલી છે તે વાલીઓને પાછી આપવા માટે તથા જો કોઈ વિદ્યાર્થી સ્કૂલ છોડી ગયો હોય તો તેના વાલીના બેન્ક એકાઉન્ટમાં વધારાની ફી ૩૦ દિવસમાં જમા કરવા માટે હુકમ કર્યો છે. શાળાએ તમામ ઓપ્શનલ ફી પાછી આપવી પડશે.

તેમણે કહ્યું હતું કે, વિબગ્યોર સ્કૂલના સંચાલકોએ જે વાલીઓ પાસેથી કેમ્બ્રિજ ઈન્ટરનેશનલ એજ્યુકેશનના નામે ફી વસૂલ છે તે પણ એક મહિનામાં પાછી આપવાની રહેશે. સ્કૂલને ફી અધિનિયમના ભંગ બદલ બે લાખ રૂપિયા દંડ કરવામાં આવ્યો છે. આ રકમ સ્કૂલે ૩૦ દિવસમાં જમા કરાવવાની રહેશે.


Google NewsGoogle News