જૂનિયર ક્લાર્કની જગ્યા માટે ક્વોલિફાઈ ઉમેદવારોના સર્ટિ.ની ચકાસણી શરૃ
તા.૫ સુધી ચકાસણીની કામગીરી થશે : રોજ ૧૫૦ને બોલાવ્યાઃ જરૃર પડયે મુદ્દત લંબાવવામાં આવશે
વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જૂનિયર ક્લાર્કની ૫૫૨ જગ્યા માટે પરીક્ષામાં ક્વોલિફાઈ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રોની આજથી ચકાસણીની કામગીરી શરૃ કરવામાં આવી છે.
કમાટીબાગના પ્લેનેટેરિયમમાં દશ ટેબલ પર દશ ટીમ કાર્યરત કરાઈ છે. રોજ અંદાજે ૧૫૦ ઉમેદવારોને બોલાવાયા છે. તા.૫ સુધી આ કામ ચાલશે, એ પછી જો જરૃર પડશે તો વધુ એક બે દિવસ મુદત લંબાવાશે. કોઈના જાતિના કે શૈક્ષણિક પ્રમાણપત્રમાં કાંઈ ક્ષતિ હોય અને ઉમેદવારો ખૂટતા હોય તો તે આધારે ચકાસણી માટે બીજા વધુ ઉમેદવારોના પ્રમાણપત્રો ચકાસાશે.
કોર્પોરેશન દ્વારા સીધી ભરતીથી જુનિયર ક્લાર્કની સંવર્ગ-૩ ની ૫૫૨ જગ્યા માટે તારીખ ૮ ઓક્ટોબરના રોજ લેખિત પરીક્ષા એમસીક્યુ તથા ઓએમઆર પદ્ધતિથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી હતી. તાજેતરમાં ૧૭૦૬૮ ક્વોલિફાઈ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી.
ગેજહાજર રહેલ ઉમેદવારને આગળની ભરતી પ્રક્રિયા માટે ગેરલાયક ઠરાવવામાં આવશે તેમ કોર્પોરેશન દ્વારા અગાઉ જણાવાયું છે. અરજી કરતી સમયે જન્મ તારીખ કે જાતિ અંગે અરજીપત્રકમાં ઉમેદવાર દ્વારા ભૂલથી કોઈ વિગત ભરવામાં આવી હોય તો તે સુધારવા માટે તારીખ ૧ જાન્યુઆરી પહેલા લેખિત જાણ કરવાનું પણ કહ્યું હતું. પ્રમાણપત્રોની ચકાસણી બાદ પસંદગી અને પ્રતીક્ષા યાદી જાહેર કરાશે. કોર્પોરેશનની આ પરીક્ષા માટે જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તેમાંથી ૯૪૦૦ થી વધુ ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. તેઓને ૨૨ લાખથી વધુ અરજી ફી પાછી આપી દેવા આવા ઉમેદવારો પાસેથી પોતાના બેંકના એકાઉન્ટની જરૃરી વિગતો કોર્પોરેશન દ્વારા મંગાવવામાં આવી હતી. જેમાંથી ઘણા બધાને રૃપિયા ચૂકવી દેવામાં આવ્યા છે.