વત્સલ પેટ્રોલ પંપ પરથી દિવસભરના વકરાના ૩૦ હજાર લઇને ભાગ્યો હતો
વત્સલને મોડાસા સુધી તેનો પરિચિત વ્યક્તિ છોડી ગયો ત્યાંથી બસમાં બેસીને રાજસ્થાન અને છેલ્લે ભરૃચ ગયો હતો
વડોદરા,હરણી લેકઝોન દુર્ઘટનામાં પકડાયેલા વત્સલ શાહે મોબાઇલ ફોન માટે પોલીસને ગોળ ગોળ ફેરવતા પોલીસનો સ્ટાફ મોબાઇલ શોધવા માટે આખું હરણી તળાવ ખૂંદી વળ્યો હતો. છેવટે સોમવારે રાતે તેની પત્નીએ પોલીસ સમક્ષ રજૂ કરતા પોલીસે કબજે લઇ સી.ડી.આર. ની વિગતો મેળવી રહી છે. જ્યારે આજે વત્સલશાહના રિમાન્ડ પૂરા થતા તેને જેલમાં મોકલી અપાયો છે.
હરણી બોટ કાંડમાં મુખ્ય સૂત્રધાર પરેશ શાહનો પુત્ર વત્સલ શાહને સીટની ટીમે ઝડપી પાડયો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. મોબાઇલ ફોન અંગે વત્સલે પોલીસને શરૃઆતમાં ગોળ ગોળ ફેરવ્યા હતા. તેણે જણાવ્યું હતું કે, હું તળાવમાં ડૂબેલા બાળકોેને બચાવવા માટે કૂદ્યો ત્યારે મારો મોબાઇલ ફોન પાણીમાં પડી ગયો હતો. જેના કારણે પોલીસે ફાયરબ્રિગેડની મદદથી તળાવમાં તપાસ કરી હતી. પરંતુ, મોબાઇલ ફોન મળી આવ્યો નહતો. તેણે મોબાઇલ ફોન ભાગતા પહેલા સ્વીચ ઓફ કરીને પત્નીને આપી દીધો હતો. જે મોબાઇલ ફોન તેની પત્નીએ પિયર લઇ ગઇ હતી. ત્યાંથી મોબાઇલ લાવીને તેણે પોલીસ સમક્ષ રજૂ કરી દીધો હતો.
પોલીસની તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે, દુર્ઘટના પછી વત્સલ પેટ્રોલ પંપ પર ગયો હતો. ત્યાંથી તેણે દિવસભરના વકરાના ૩૦ હજાર લીધા હતા. ત્યારબાદ તેનો પરિચિત વ્યક્તિ તેને ગાડીમાં મોડાસા સુધી છોડી ગયો હતો. મોડાસાથી તે બસમાં ઉદેપુર, અજમેર, કડી, અમદાવાદ અને ભરૃચ ગયો હતો. ત્યાંથી પરત આવતા તે પકડાઇ ગયો હતો. વત્સલના રિમાન્ડ આજે પૂરા થતા પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ, રિમાન્ડ ના મંજૂર થતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.