અયોધ્યામાં થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં વડોદરાની સ્કૂલો પણ જોડાશે, વિવિધ કાર્યક્રમોનુ આયોજન
વડોદરા,તા.9 જાન્યુઆરી 2024,મંગળવાર
અયોધ્યાના રામ મંદિરમાં તા.22 જાન્યુઆરીએ યોજાનારા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આખા દેશમાં ભારે ઉત્સાહનો માહોલ છે. વડોદરામાં પણ આ દિવસે વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વડોદરા શહેરની શાળાઓ પણ જોડાવાની છે.
વડોદરા શહેરની શાળાઓના સંગઠન વડોદરા શહેર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંચાલક મંડળ દ્વારા વડોદરા શહેરની તમામ શાળાઓમાં રામોત્સવના કાર્યક્રમોનુ આયોજન કરવા માટે વડોદરા શહેર અને જિલ્લાની તમામ સ્કૂલોને અપીલ કરવામાં આવી છે.
સંચાલક મંડળે કહ્યુ છે કે, 550 વર્ષ બાદ ભગવાન રામની અયોધ્યામાં બની રહેલા પોતાના મંદિરમાં પધારમણી થવાની છે ત્યારે આ ભવ્ય પ્રસંગની ઉજવણી સ્કૂલોમાં શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે.સ્કૂલોના મકાનો પર રોશની તેમજ ડેકોરેશન કરવાની, સ્કૂલોમાં રામાયણ પર વકતૃત્વ સ્પર્ધા, રંગોળીનુ આયોજન તેમજ રામાયણના પાત્રોમાં બાળકો માટે વેશભૂષા હરિફાઈ જેવા કાર્યક્રમ યોજવા માટે પણ સંચાલકમંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે.
સાથે સાથે વડોદરાની સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા તા.22 જાન્યુઆરીએ યોજાનારી સનાતન ધર્મ વિજય યાત્રા સહિતના કાર્યક્રમોમાં પણ ભાગ લેવા માટે સ્કૂલોને કહેવામાં આવ્યુ છે.