ડીનના આદેશને અવગણીને MSUમાં આર્ટસના વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિવિધ ડેનુ સેલિબ્રેશન શરૂ
વડોદરા,તા.07 ફેબ્રુઆરી 2023,મંગળવાર
એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં વિવિધ ડેની ઉજવણી કરવા માટે આપેલી પરવાનગી ડીને સોમવારે સાંજે પાછી ખેંચી લીધી હતી અને તેના પગલે વિવાદ જાગ્યો હતો. જોકે વિદ્યાર્થી સંગઠનોએ આ બાબતને અવગણીને વિવિધ ડેઝનુ સેલિબ્રેશન આજથી શરૂ કરી દીધુ છે. ફેકલ્ટીના તમામ વિદ્યાર્થી સંગઠનોએ આજે ફોર્મલ ડેની ઉજવણી કરી હતી.
સંગઠનોનુ કહેવુ હતુ કે, ડીનના અગાઉના આદેશ પ્રમાણે તમામ સંગઠનો ઉજવણીમાં ભેગા છે. જોકે સેલિબ્રેશન દરેક સંગઠને પોતાની રીતે ફેકલ્ટીમાં અલગ અલગ સ્થળે કર્યુ છે. જેથી સંગઠનો વચ્ચે કોઈ વિવાદ ના સર્જાય.
વિદ્યાર્થી સંગઠનો દ્વારા હવે 14 ફેબ્રુઆરીના દિવસે ઉજવાનારા વેલેન્ટાઈન ડે સુધી અલગ અલગ દિવસે અલગ અલગ ડેની ઉજવણી કરવામાં આવશે. ફેકલ્ટીમાં ડે સેલિબ્રેશનને લઈને કેટલાક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે.ગઈકાલે યુવા શક્તિ ગ્રુપની એક વિદ્યાર્થિનીએ આક્ષેપ કર્યો હતો કે, ઉજવણી માટે રજૂઆત કરવા ગયા ત્યારે ડીને મારો પીઆરએન નંબર માંગીને મને આડકતરી રીતે નાપાસ કરવાની ધમકી આપી હતી.
દરમિયાન ડીનનુ કહેવુ હતુ કે, તમામ સંગઠનોએ ભેગા મળીને ઉજવણી કરવાની સમજૂતીનો ભંગ કર્યો હોવાથી તેમને અપાયેલી પરવાનગી પાછી ખેંચવામાં આવી છે.