વડોદરામાં સ્વાધ્યાય પરિવારના વનવાસી સંમેલનમાં લાખો વનવાસી બંધુઓનું સામૂહિક ગીતા પઠન
લોકો આજે 'પ્રસાદભોગી' બન્યા છે, પૂ. પાંડુરંગ દાદાએ 'વિચારપ્રસાદ' આપવાની પરંપરા બનાવી છે ઃ જયશ્રી દીદી
વડોદરા,તા.૨૮ જાન્યુઆરી ૨૦૧૯,સોમવાર
વડોદરાના આજવા રોડ પર આવેલા લેપ્રસી ગ્રાઉન્ડ પર આજે પૂ.પાંડુરંગ શાસ્ત્રીજી દ્વારા સ્થાપીત સ્વાધ્યાય પરિવાર આયોજીત 'વનવાસી સંમેલન'માં ઉપસ્થિત લાખો વનવાસી બંધુઓએ સામૂહિક ગીતા પઠન અને ત્રિકાળ સંધ્યા કરીને અનોખો વિક્રમ બનાવ્યો હતો.
સ્વાધ્યાય પરિવારનો દાવો હતો કે આજે આશરે ૩.૫૦ લાખ વનવાસી બંધુઓ મેદાન પર હાજર રહ્યા હતા અને તેઓએ ગીતાના પાઠ અને ત્રિકાળ સંધ્યા કરી હતી. આ દાવા પ્રમાણે આટલી મોટી સંખ્યામાં સામૂહિક ત્રિકાળ સંધ્યા અને ગીતા પઠન થયુ હોય તેવી આ પ્રથમ ઘટના છે. આ ઘટના સ્વાધ્યા પરિવારના ભાઇઓ અને બહેનોની મહેનતના કારણે સફળ બની છે. છેલ્લા ૧૮ મહિનામાં ગુજરાતના વનવાસી વિસ્તારોમાં ઘરે ઘરે પહોંચીને વનવાસી પરિવારોને વૈદિક સંસ્કૃતિ, ભગવદ્ ગીતા અને ત્રિકાળ સંધ્યા જેવી આપણી ધાર્મિક પરંપરાઓને સાચી સમજ આપીને સમાજની મુખ્યધારામાં ભેળવવાનું કામ સ્વાધ્યા પરિવારના સેવકોએ કર્યુ છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સ્વાધ્યા પરિવારના મુખ્ય સંચાલીકા જયશ્રી દીદીએ કહ્યું હતું કે 'પૂ.દાદાએ આગરી,નાગરી, દેવીપુત્ર, સાગરપુત્ર, વનવાસી જેવા સમાજોમાં પહોંચીને સાંસ્કૃતિક વિચારો પહોંચાડયા છે અને આ પ્રવૃત્તિ છેલ્લા ૭૦ વર્ષથી અવિરત ચાલી રહી છે.લોકો આજે 'પ્રસાદભોગી' બન્યા છે. પૂ.પાંડુરંગ દાદાએ 'વિચારપ્રસાદ' આપવાની પરંપરા બનાવી છે'