ટયુશન ક્લાસીસમાં દોડતી વિદ્યાર્થીઓ ભરેલી વાનને નિયમો લાગુ કરાવવા જરૂરી

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
ટયુશન ક્લાસીસમાં દોડતી વિદ્યાર્થીઓ ભરેલી વાનને નિયમો લાગુ કરાવવા જરૂરી 1 - image



ગાંધીનગર :  વારંવાર સુચના છતા પણ પરમિટ વગર સ્કૂલવર્ધીના વાહનો દોડાવવામાં આવે છે જેમની સામે સ્કૂલ પાસે ચેકીંગની કામગીરી આરટીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે અને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે ત્યારે ટયુશન ક્લાસીસમાં પણ કોઇ પણ નિયમોનું પાલન કર્યા વગર જ પરમિટવિનાની વાન વિદ્યાર્થીઓ સાથે દોડતી હોય છે તેની સામે પણ કાર્યવાહીની જરૂર છે તેના માટે સાંજના સમયે આરટીઓ દ્વારા ચેકીંગ હાથ ધરવું જોઇએ તેવી માંગણી ઉઠી છે.

રાજકોટના ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ દરેક ક્ષેત્રે સલામતીને ખાસ મહત્વ સરકાર દ્વારા આપવામાં આવતું હતું ચેકીંગ અને તપાસનો ધમધમાટ શરૂ કરીને જીવના જોખમે ચાલતા એકમો સીલ કરવાનો સિલસિલો શરૂ થયો હતો તે દરમ્યાન સ્કૂલવર્ધીના વાહનોમાં પણ સેફ્ટીના સાધનો વસાવવા તથા ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ નહીં બેસાડવાના નિયમનું પાલન થાય તે ઉપર પણ ભાર મુકવામાં આવ્યો હતો. 

જે અંતર્ગત પ્રથમ સત્ર પુર્ણ થવા આવ્યું છે, ત્યારે ગાંધીનગર આરટીઓ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે અને ખાસ ઝુંબેશ અંતર્ગત એક જ દિવસમાં 36 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો. તો બીજીબાજુ ટયુશન ક્લાસીસમાં પણ પરમીટ વગર વાનમાં વિદ્યાર્થીઓને ઘેંટા બકરાની જેમ બેસાડીને આ વાન બેફામ દોડાવવામાં આવે છે. ત્યારે અહીં પણ યોગ્ય ચેકીંગ કરવું જોઇએ તેવી લોકમાંગ ઉઠી છે. 

તેના માટે આરટીઓ તંત્ર દ્વારા સાંજના સમયે વિવિધ ક્લાસીસ પાસે અથવા તો ત્યાના આંતરિક માર્ગો ઉપર ચેકીંગ કરવામાં આવે તો પરમીટ વગર દોડતા સ્કૂલવર્ધીના વાહનો પકડાય અને તેમની સામે કાર્યવાહી કરીને નિયમોનું પાલન કરાવી શકાય. આમ, કરવામાં આવે તો આ જ વાહનો સવારે સ્કૂલવર્ધીમાં પણ દોડતા હોય છે તેમાં પણ વાહનમાલિકો નિયમોનું પાલન કરે અને વિદ્યાર્થીઓના જાન માલને નુકશાનની શક્યતા ઘટે.


Google NewsGoogle News