વંદેમાતરમની બાદબાકીથી સિન્ડિકેટની બેઠક તોફાની બની, ડાયરી પાછી ખેંચાશે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના કેલેન્ડર અને બાદમાં ડાયરીને લઈને સર્જાયેલા વિવાદમાં આજે સિન્ડિકેટ સભ્યોએ ભેગા મળીને વાઈસ ચાન્સેલર પ્રો.વિજય શ્રીવાસ્તવ પર માછલા ધોયા હતા.વાઈસ ચાન્સેલરને પોતાનો બચાવ કરવાનુ પણ ભારે પડી ગયુ હતુ.
ઉલ્લેખનીય છે કે, કેલેન્ડરમાં પહેલી વખત પહેલા પેજ પર મહારાજા સયાજીરાવ તથા ચાન્સેલર ડો.શુભાંગિનીદેવી ગાયકવાડ સાથે વાઈસ ચાન્સેલર પ્રો.શ્રીવાસ્તવનો ફોટો છાપવામાં આવ્યો હતો.જેને લઈને વિરોધ પણ થયો હતો.એ પછી યુનિવર્સિટીની ૨૦૨૩ના વર્ષની ડાયરીમાંથી રાષ્ટ્રગાન વંદમાતરમની બાદબાકી થઈ ગઈ હતી અને સાથે સાથે અધ્યાપકો, કર્મચારીઓના નામ નંબર સહિતની ઘણી જાણકારીને કાઢી નાંખવામાં આવી હતી.
જેના પગલે આજે સિન્ડિકેટ સભ્યોએ લગભગ દોઢ કલાક સુધી સિન્ડિકેટની બેઠકમાં ઉકળાટ ઠાલવ્યો હતો.સિન્ડિકેટ સભ્યોએ કહ્યુ હતુ કે, યુનિવર્સિટીની ડાયરીમાં વાઈસ ચાન્સેલરે પૂર્વ વાઈસ ચાન્સેલરોના નામ પણ કાઢી નાંખ્યા છે.મહારાજા સયાજીરાવ કરતા વધારે ફોટો વાઈસ ચાન્સેલરના છે.ડાયરીનુ કદ ઘટાડવાની દલીલ સામે સિન્ડિકેટ સભ્યોએ કહ્યુ હતુ કે, વાઈસ ચાન્સેલરે પોતાના ફોટા ઓછા કર્યા હોત તો પણ ડાયરીનુ કદ ઘટી ગયુ હતુ.વાઈસ ચાન્સેલરે આ મારો નિર્ણય નથી પણ કમિટિનો નિર્ણય છે તેવુ કહીને પોતાનો બચાવ કર્યો હતો.આખરે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, યુનિવર્સિટીએ છપાવેલી તમામ ડાયરીઓ પાછી ખેંચવામાં આવે અને તેની જગ્યાએ નવેસરથી ડાયરી છપાવીને તેનુ વિતરણ કરવામાં આવે.આમ ડાયરીમાં પરંપરા તોડીને ફેરફારો કરવાના વાઈસ ચાન્સેલરના નિર્ણયથી યુનિવર્સિટીને લાખો રુપિયાનો ફટકો પડયો છે.