વણાકબોરી ડેમ છલકાયો : બે દરવાજા ખોલાતાં કાંઠાનાં ગામોને એલર્ટ કરાયા
આણંદ અને મહીસાગર જિલ્લાઓની જીવાદોરી સમાન
કડાણા ડેમમાંથી વણાકબોરીમાં ૫૫૦૦ ક્યૂસેક પાણીની આવક ઃ મહી નદીમાં ૩૫૦૦ અને કેનાલમાં ૨૦૦૦ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યુંં
નડિયાદ: ખેડાના ઠાસરામાં આવેલો વણાકબોરી ડેમ ૧૦૦ ટકા ભરાયો છે. ડેમ સંપૂર્ણ પણે ભરાઈ જતા ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. મહીસાગર નદીમાં આ પૈકી ૩૫૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના પગલે આસપાસના અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જો કે, નવા નીર આવતા ચરોતરના અનેક જિલ્લાઓના ખેડૂતો માટે રાહતના સમચાર છે.
ખેડા, આણંદ અને મહીસાગર સહિતના જિલ્લાઓના જીવાદોરી સમા વણાકબોરી ડેમમાં નવા નીરની આવક થઈ છે. ડેમમાં પાણીની આવક થતા ડેમ છલોછલ થઈ ગયો છે. કડાણા ડેમમાંથી વણાકબોરીમાં ૫૫૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના પગલે વણાકબોરી ડેમ છલોછલ ભરાઈ ગયો હતો. આ નવા નીરના કારણે ખેડૂતોમાં હર્ષની લાગણી વ્યાપી છે.
વણાકબોરી ૧૦૦ ટકા ભરાતા તેમાંથી ૩૫૦૦ ક્યુસેક જેટલું પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે. જ્યારે ૨૦૦૦ ક્યુસેક પાણી મહીસાગર કેનાલમાં છોડવામાં આવ્યું છે. હાલ વણાકબોરી ડેમની સપાટી ૨૨૦ ફૂટ છે.
પરંતુ વધુ પાણીનો સંગ્રહ કરવા દિવાલ ઉપર પ્લાસ્ટિકની બેગો મૂકી બે ફૂટ જેટલી સપાટી વધારવા માટે આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.