વાલ્મિકી સમાજ સાથે દલિતોનો ઉચ્ચ વર્ગ જ અસ્પૃશ્યતાનો વ્યવહાર કરે છે
વડોદરામાં 'બહિષ્કૃતમાં પણ બહિષ્કૃત' વિષય પર રાષ્ટ્રિય સેમિનારનો પ્રારંભ : આજે છેલ્લો દિવસ
વડોદરા : અનુસુચિત જાતિનાં ઘણાં સમુદાયોમાં શિક્ષણ અને આર્થિક પ્રગતિ થઇ છે, પરંતુ વાલ્મિકી સમાજ સામાજિક -આથક વિકાસ અને રાજકીય ભાગીદારીમાં પાછળ રહી ગયો છે. અન્ય જાતિઓ જ નહી પરંતુ દલિતોના ઉચ્ચ વર્ગ દ્વારા પણ વાલ્મિકી સમાજ સાથે અસ્પૃશ્યતા વર્તવામાં આવે છે. ત્યારે બહિષ્કૃત સમાજમાં પણ બહિષ્કૃત એવા વાલ્મિકી સમાજના ઉત્થાન માટે વિચાર કરવા અત્રે આજથી બે દિવસના રાષ્ટ્રીય સેમિનારનો પ્રારંભ થયો છે.
સેમિનારમાં ઉપસ્થિત દેશની પ્રતિષ્ઠીત શૈક્ષણિક સંસ્થાઓના નિષ્ણાંતો અને રિસર્ચ ફેલો દ્વારા વિચારો રજૂ કરવામાં આવ્યા હતા પોલિસી સ્ટ્રેટેજિસ્ટ ડો. જયશે શાહે કહ્યું હતું કે 'વાલ્મિકી સમુદાય મોટાભાગે સફાઈ અને સ્વચ્છતા સંબંધિત વ્યવસાય સાથે જોડાયેલા છે જેવા કે, ગંદકી, માનવ અને પ્રાણીઓના મળમૂત્રની સફાઈ, પ્રાણીઓના મૃત અને સડેલા મૃતદેહોનો નિકાલ, શૌચાલયોની સફાઈ. પછાતોમાં પણ સૌથી પછાત એવા વાલ્મિકી સમાજ સાથે દલિતોના ઉચ્ચ વર્ગ દ્વારા જ અસ્પૃશ્યતાનો વ્યવહાર કરવામાં આવે છે.'
દલિતોની ૧૭ ટકા અનામતનો લાભ પણ વાલ્મિકી સમાજને મળતો નથી, ૧૭ ટકામાંથી ૩ ટકા વાલ્મિકી સમાજ માટે અલગ અનામતનું સૂચન
સાચા કોરોના વોરિયરની ના સમાજે કે ના સરકારે દરકાર કરી
ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાયન્સ-મુંબઇની પીએચડી સ્કોલર શમા મહેરોલે કોરોનાકાળ દરમિયાન વાલ્મિકી સમાજની સ્થિતિ ઉપર સંશોધન કર્યુ છે. શમા કહે છ ેકે 'કોરોના વખતે લોકો વર્ક ફ્રોમ હોમ કરતા હતા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવતા હતા તેવા સમયે જ સફાઇ કામ માટે વાલ્મિકી સમાજે ફરજિયાત બહાર નીકળવુ પડતુ હતુ. જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.આમ કોરોનામાં સફાઇનું ધ્યાન રાખીને બીજા સમાજના સ્વાસ્થ્યની ચિંતા કરી હોવા છતા વાલ્મિકી સમાજની ના સમાજે ના સરકારે ચિંતા કરી છે.
બલિપ્રથા, દારૃ, કુરિવાજો સામે પણ વાલ્મિકી સમાજે લડવાનું છે
દિલ્હીમાં રહેતી અને વાલ્મિકી સમાજમાંથી જ આવતી જેએનયુની રિસર્ચ સ્કોલર રાખી ઢાંકા કહે છે કે સમાજમા ઘણો બદલાવ આવ્યો છે તેમ છતા મારે જેએનયુ જેવી પ્રતિષ્ઠીત સંસ્થાનોમા પણ ભેદભાવનો સામનો કરવો પડે છે. કોઇને એ વાત પચતી નથી કે વાલ્મિકી સમાજની છોકરી કડકડાટ અંગ્રેજી બોલે છે અને ઉચ્ચ અભ્યાસ કરે છે. આ વાત બહારના સમાજની છે પણ અમારા વાલ્મિકી સમાજમાં પણ બલિપ્રથા, દારૃ, કુરિવાજો, અંધશ્રધ્ધા જેવી સમસ્યાઓ સામે લડવાનું છે.