વડોદરાની સ્કાય ડાઈવરે ૧૩૦૦૦ ફૂટની ઊંચાઈએ જય શ્રી રામ લખેલુ બેનર ફરકાવ્યું
વડોદરાઃ તા.૨૨મીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને દેશભરના લોકોમાં ભારે ઉત્સાહ છે.વડોદરામાં પણ વિવિધ સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમોનુ આયોજન થઈ રહ્યુ છે ત્યારે વડોદરાની સ્કાય ડાઈવર શ્વેતા પરમારે સ્કાય ડાઈવિંગ દરમિયાન ૧૩૦૦૦ ફૂટની ઉંચાઈએ જય શ્રી રામ..લખેલુ બેનર લહેરાવીને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આગવી રીતે ઉત્સાહ વ્યક્ત કર્યો છે.
શ્વેતા પરમાર ૨૮ વર્ષની વયે ગુજરાતના પહેલા એવા મહિલા નાગરિક છે કે જેમને સ્કાય ડાઈવર તરીકેનુ લાઈસન્સ(યુએસપીએ-સી લાઈસન્સ) મળ્યુ છે.સમગ્ર ભારતમાં તે આવુ લાયસન્સ ધરાવતા ચોથા મહિલા નાગરિક બન્યા છે.
શ્વેતા પરમાર કહે છે કે, નવ જાન્યુઆરીએ થાઈલેન્ડમાં મેં એકલાએ સ્કાય ડાઈવિંગ કરવાનુ નક્કી કર્યુ હતુ અને તેની તૈયારી મેં એક મહિના પહેલા શરુ કરી દીધી છે.થાઈલેન્ડમાં મેં તેના માટે વધારાની ટ્રેનિંગ પણ લીધી હતી.અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પણ યોજાવાનો હોવાથી મેં જય શ્રી રામ લખેલા બેનરને આકાશમાં ફરકાવવાનુ નક્કી કર્યુ હતુ.જ્યારે મેં વિમાનમાંથી કુદકો માર્યો ત્યારે બેનરને ૧૩૦૦૦ ફૂટની ઉંચાઈએ લહેરાવ્યુ હતુ. મારા દેશની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતને દર્શાવવાનો મને સ્કાય ડાઈવિંગ થકી મોકો મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતા શ્વેતા પરમાર અલગ અલગ એરક્રાફ્ટમાંથી અત્યાર સુધીમાં ૨૯૭ વખત સ્કાય ડાઈવિંગ કરી ચુકયા છે.દુલ્હનની જેમ સાડી પહેરીને આકાશમાંથી કુદકો મારનાર પહેલા ભારતીય મહિલાનો રેકોર્ડ પણ શ્વેતા પરમારના નામે છે.અન્ય લોકોને પણ આ દિલધડક એડવેન્ચર સ્પોર્ટમાં રસ પડે તે માટે તેમણે ્સ્કાય ડાઈવ ઈન્ડિયા અભિયાન શરુ કર્યુ છે અને તેના થકી કેટલાક બીજા લોકોને પણ તેમણે સ્કાય ડાઈવિંગ માટે પ્રેર્યા છે.અત્યાર સુધી તેમના અભિયાનમાં ૨૧ લોકો સામેલ થયેલા છે.