વડોદરાના અનોખા ગરબા : ખેલૈયા, ગાયકો અને વાદ્યવૃંદ બધા જ બાળકો
બે દાયકા કરતા વધુ સમયથી યોજાતા અડુકિયો દડુકિયો અને અલૈયા બલૈયા ગરબા, ૧ થી ૧૬ વર્ષના બાળકોને જ પ્રવેશ અપાય છે,નાના બાળક સાથે માતા અથવા પિતાને પણ પ્રવેશ
વડોદરા : વાત ગરબાની આવે એટલે પહેલુ નામ હંમેશા વડોદરા જ આવે. ન માત્ર ભાતીગળ ગરબાની સંસ્કૃતિ જાળવી રાખવા પણ વિશેષ પ્રકારના ગરબા આયોજનમાં પણ વડોદરા અવલ્લ છે. એટલુ જ નહી પરંતુ સમાજ જાગૃતિ અને સમાજ સેવા માટે પણ વડોદરામાં ખાસ ગરબા યોજવામાં આવે છે.
બાળકોના ગરબાનો વિચાર વડોદરા માટે નવો નથી. કારેલીબાગમાં ફક્ત બાળકો માટે જ યોજાતા ગરબા અડુકિયો દડુકિયોના આયોજકો દિનેશ યાદવ, હેમંત અગ્રવાલ, ચિરાગ શાહ અને હરીશ ગાંધીએ કહ્યું હતું કે અમે ૨૨ વર્ષથી બાળકોના માટેના ગરબાનું આયોજન કરીએ છીએ. ગાયક અને વાદક વૃંદ પણ બાળકો જ હોય છે. લીટલ વંડર ગૃપના રિધમ ઠક્કર, તૃપ્તિ સોલંકી, ધુ્રવ સોની, પ્રિશા શાહ, દ્રીશ શાહ અને શિવાની પ્રજાપતિ ગરબાની રમઝમટ બોલાવશે. રોજ ૭ થી ૮ હજાર બાળકો અમારા મેદાનમા ગરબાની મજા માણે છે. અમે ગરબામાં થકી આવક બાળકોના સર્વાંગી વિકાસ અને શિક્ષણ સહાય માટે ઉપયોગ કરીએ છીએ.
માંજલપુરમાં અલૈયા બલૈયા ગરબા ખાસ બાળકો માટેના જ છે અને છેલ્લા ૨૭ વર્ષથી યોજાઇ રહ્યા છે. આ અંગે વધુ વાત કરતા આયોજક અજય દવેએ કહ્યું હતું કે બાળકો જ ખેલૈયા, બાળકો જ ગાયકો અને બાળકો જ વાદકો હોય એવો વિચાર અમારા મિત્ર વર્તુળમાં ૨૭ વર્ષ પહેલા આવ્યો અને તેને અમલમાં મુકી દીધો. આ વર્ષે પણ પંચશીલ સ્કૂલના ગરબા ગ્રાઉન્ડમાં ગરબા યોજાશે જેમાં શિવ સાધના ગૃપના બાળકો સૂર રેલાવશે. અમારા ગરબામાં ૧ થી ૧૬ વર્ષના બાળકોને નિઃશૂલ્ક પ્રવેશ અપાય છે. ફક્ત ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છ. રોજના ૭ થી ૮ હજાર બાળકો ગરબે ઘુમે છે.
બાળકો સાથે દાદા-દાદી પણ ગરબે ઘુમવાનો આનંદ માણશે
વડોદરામાં છેલ્લા ૫૭ વર્ષથી બાળકો, મહિલાઓ અને યુવાનો માટે સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા બરોડા સિટીઝન કાઉન્સિલ દ્વારા બાળ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ૪ થી ૧૫ વર્ષના બાળકો અલગ અલગ થીમ ઉપર રમશે. નવરાત્રીના ૯ દિવસ દરમિયાન મમ્મી- પપ્પા, દાદા-દાદી સાથે પણ બાળકો રમી શકે તે માટે અમુક દિવસ ફાળવવામાં આવશે. ગરબા અક્ષર ચોક, રિલાયન્સ મેગા મોલની સામેના ગ્રાઉન્ડમાં સાંજે ૭.૩૦ થી ૯.૩૦ દરમિયાન યોજાશે.
૧૧ ગરીબ દીકરીઓના કરિયાવર માટે રાત્રી બીફોર નવરાત્રી
વડોદરામાં એક દાયકાથી સેવાકિય પ્રવૃતિ સાથે સંકળાયેલ અષ્ટ સહેલી ગૃપની આઠ સહેલીઓ હેમા ચૌહાણ, નીલા શાહ, રીટા વિઠલાણી, નિલિમા શાહ, ટ્વિંકલ પટેલ, સાધના શાહ, ગોપી પટેલ, પારૃલ પરીખ અને હિના રાવલ દ્વારા તાજેતરમાં જ વાસણા ભાયલી રોડ ઉપર રાત્રી બિફોર નવરાત્રી ઇવેન્ટ 'રઢિયાળી રાત'નું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં જાણીતા ગાયક સનત પંડયા અને મહર્ષિ પંડયાએ ગરબાના સૂર રેલાવ્યા હતા. આ ગરબાના આયોજન પાછળનો હેતુ એ હતો કે નવેમ્બરમાં જેમના લગ્ન થવાના છે એવી ૧૧ ગરીબ દીકરીઓને કરિયાવર આપી શકાય. અષ્ટ સહેલી ગૃપ કોરોનાકાળ દરમિયાન પણ સક્રિય રહ્યું હતું અને દવાઓથી લઇને ભોજન સામગ્રી જરૃરીયાતમંદ સુધી પહોંચાડી હતી