Get The App

વડોદરાના આઉટર રીંગરોડ માટે કેન્દ્ર સરકારની સહાય નહીં મળે: માત્ર ત્રણ બ્રિજ માટે રૂ.300 કરોડની મદદ માંગી

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
વડોદરાના આઉટર રીંગરોડ માટે કેન્દ્ર સરકારની સહાય નહીં મળે: માત્ર ત્રણ બ્રિજ માટે રૂ.300 કરોડની મદદ માંગી 1 - image

image : Freepik

વડોદરા,તા.26 માર્ચ 2024,મંગળવાર

વડોદરા શહેરની આસપાસ ટ્રાફિકની સમસ્યા હલ કરવા 75 મીટર પહોળાઈનો આઉટર રીંગરોડ ત્રણ તબક્કામાં તૈયાર કરવાનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણાએ તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મુલાકાત લઈ રીંગરોડ માટે સહાયની માંગણી કરી હતી. પરંતુ આ રસ્તો હાઇ-વેને લગતો નથી પરંતુ રીંગરોડ એ પાર્ટ ઓફ સીટી છે જેથી નેશનલ હાઇવે ઓથોરિટી મદદ કરી શકશે નહીં. પરંતુ આ રોડ પર થનારા બ્રિજ માટે સંપૂર્ણ સહાય કરશે તેવી ખાતરી આપતા રૂ.300 કરોડની સહાયની માંગણી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. જ્યારે રીંગરોડ માટે રાજ્ય સરકાર પાસે માંગણી કરવામાં આવતા ચોરણી ગુજરાત મુખ્યમંત્રી યોજના અંતર્ગત સહાય આપવાની ખાતરી આપી હોવાનું જાણવા મળે છે.

વડોદરા શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા થોડા સમય પહેલા મનોજ દાસ મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે તેમણે ઇનર રીંગરોડ અને આઉટર રીંગરોડનું આયોજન કર્યું હતું. જેમાં આઉટર રીંગરોડ એરપોર્ટ સર્કલ થી લઈને ગેંડા સર્કલ અક્ષરચોક, વડસર, મકરપુરા, તરસાલી, ડભોઇ રોડ, વાઘોડિયા રોડ, આજવા રોડ, થઈ ફરી એરપોર્ટ સર્કલ સુધી આસાનીથી પહોંચી શકાય તે માટે 40 મીટરનો વોલ આઉટર રીંગરોડ તૈયાર કરવામાં આવ્યો હતો.

જ્યારે ઇનર રીંગરોડ મુક્તાનંદ ત્રણ રસ્તા થી સંગમ હરણી વારસિયા રીંગરોડ થઈ આજવા રોડ વાઘોડિયા રોડ થઈ ફરી ડભોઇ રોડ સુધી તેને જોડવામાં આવ્યો હતો. જેથી શહેરની મધ્યમાં ટ્રાફિકની સમસ્યામાં રાહત થઈ હતી. પરંતુ હાલમાં હવે આઉટર રીંગરોડ ઉપર પણ ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વુડાએ સંયુક્ત રીતે વધુ એક 75 મીટર પહોળાઈનો આઉટર રીંગરોડ બનાવવાનું આયોજન કર્યું છે.

75 મીટર પહોળાઈનો રીંગ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવાની સાથે જ ભાયલી વિસ્તારમાં અને એકતા ગ્રામીણ પ્રજા વિકાસ મંચ દ્વારા ખેડૂતોને ફાઇનલ પ્લોટો ફાળવી આપી જમીન સંપાદનની કાર્યવાહી કરવાની માંગણી સાથે જરૂર પડે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે બીજી બાજુ વહીવટી તંત્રએ આઉટર રીંગરોડ તૈયાર કરવા જરૂરી કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે સહાયની માંગણી કરી હતી. જે અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા તાજેતરમાં દિલ્હી ખાતે કેન્દ્રીય હાઇવે રોડ વિભાગના મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી અને વડોદરા શહેરના આઉટર રીંગરોડ માટે રૂ. 500 કરોડની આર્થિક સહાય આપવાની માંગણી કરી હતી. પરંતુ મંત્રીએ આઉટર રીંગરોડ માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સહાય આપી શકાય નહીં કારણકે રીંગરોડએ પાર્ટ ઓફ સીટી છે. જેથી જરૂરી નાણાકીય મદદ રાજ્ય સરકાર કરી શકે પરંતુ આઉટર રીંગરોડ પર જે કોઈ રેલવે કે નદી પર બ્રિજ આવતા હશે તો તેના માટે સંપૂર્ણ સહાય આપી શકાશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

 મંત્રીએ આઉટર રીંગરોડ માટે નેશનલ હાઈવે ઓથોરિટી મદદરૂપ થશે તેને ધ્યાનમાં રાખી આઉટર રીંગરોડ પર ત્રણ બ્રિજ બનાવવામાં આવનાર છે. ત્યારે અંદાજે રૂપિયા 300 કરોડનો તેની પાછળ ખર્ચ થશે જેને ધ્યાનમાં રાખી વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ તાજેતરમાં કેન્દ્રીય મંત્રી અને હાઇવે ઓથોરિટીને પત્ર લખી રૂ.300 કરોડની સહાયની માંગણી કરી છે.

આ ઉપરાંત આઉટર રીંગરોડ માટે રાજ્ય સરકાર પાસે માંગણી કરવામાં આવતા સ્વર્ણિમ ગુજરાત મુખ્યમંત્રી યોજના અંતર્ગત સહાય કરવાની ખાતરી આપવામાં આવી છે.

પાંચ વર્ષથી આઉટર રિંગરોડનું આયોજન માત્ર કાગળ પર: બે કમિશનર બદલાયા 

75 મીટર પહોળાઈનો આઉટર રીંગરોડ બનાવવાનું આયોજન છેલ્લા પાંચ વર્ષથી માત્ર કાગળ પર જ ઘોડા દોડાવવામાં આવી રહ્યા છે ત્યારે બે કમિશનર ની બદલી થઈ ગઈ હવે ત્રીજા કમિશનર ફરજ પર છે ત્યારે તેમણે કામગીરી શરૂ કરાવવાની સાથે સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે સહાયની માંગણી પણ કરી છે.

તત્કાલીન કમિશનર વિનોદ રાવના સમયથી આઉટર રીંગરોડ બનાવવાનું આયોજન શરૂ થયું હતું. તે બાદ શાલીની અગ્રવાલએ ત્રણ તબક્કામાં રીંગરોડ પૂર્ણ થાય તે પ્રમાણે વુડા અને કોર્પોરેશન હદ વિસ્તારમાં ટીપી સ્કીમો વહેલી તકે મંજૂર કરાવવાની શરૂઆત કરી હતી. તે દરમિયાન જ તેમની બદલી થઈ ગઈ હતી. હવે દિલીપકુમાર રાણાએ 75 મીટર પહોળાઈનો રીંગ રોડ બનાવવાની કામગીરી શરૂ કરી છે. ત્યારે હવે જોવાનું રહે છે કે આ 75 મીટરનો રીંગ રોડ તેઓના સમયમાં પૂર્ણ થશે કે કેમ તે જોવાનું રહે છે.

વડોદરા કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકાર પાસે આઉટર રીંગરોડ પર ત્રણ બ્રિજ માટે રૂ.300 કરોડની સહાયની માંગણી કરી છે.

 (1) માણેજા-મારેઠા રેલવે અને રીવર બ્રીજ રૂ.150 કરોડની સહાયની માંગણી

 (2) છાણી કેનાલ સમાંતર 30 મીટરના રીંગ રોડ પર નવા યાર્ડથી ગોરવા તરફ જતા રેલવે ઓવરબ્રિજ રૂ.70 કરોડ

 (3) નર્મદા કેનાલની સમાનતરે 30 મીટરના રીંગ રોડ પર વિશ્વામિત્રી નદી પર ઓવરબ્રિજ રૂપિયા 45 કરોડ સહાયની માંગણી કરી છે.

25 કિલોમીટરનો આઉટર રીંગરોડ થશે : વડોદરાના પાંચ લિંક રોડ જોડાશે 

75 મીટર પહોળાઈનો આઉટર રીંગરોડ ભાયલી થી સિંધરોટ, અંકોડિયા, ગોરવા, છાણી, હરણી, કપુરાઇ, વડદલા,માણેજા મારેઠા થઈ  સમલાયા બિલ ભાયલી સુધીનો 25 km નો રસ્તો થશે.

આઉટર રીંગરોડ માટે કોર્પોરેશન અને રૂડા એ સંયુક્ત રીતે ટીપી સ્કીમ મંજૂર કરવા ની શરૂઆત કરી દીધી છે સાથે સાથે જ્યાં જરૂર પડે ત્યાં જમીન સંપાદન પણ કરવામાં આવશે જેથી હવે પ્રથમ ફેઝની કામગીરી વહેલી તકે શરૂ થઈ શકશે તેમ જાણવા મળે છે.

વડોદરા શહેરના 30 મીટર 60 મીટરના એવા પાંચ લિંક રોડ આઉટર રીંગરોડને જોડાશે. જેની પાછળ રૂપિયા 21 કરોડનો ખર્ચ થનાર છે.


Google NewsGoogle News