નેશનલ એથ્લેટિક્સ ગેમમાં વડોદરાની લક્ષિતા શાંડિલ્ય બે ગોલ્ડ જીતી લાવી
19 વર્ષની લક્ષિતા 1 ઇન્ટરનેશનલ ગોલ્ડ અને 24 નેશનલ ગોલ્ડ સહિત કુલ 33 મેડલ જીતી ચુકી છે, ઇન્ટરનેશનલ અને એશિયન ગેમ્સ માટે પસંદગી થઇ
વડોદરા : ૧૯ વર્ષની એથ્લેટ લક્ષિતા શાંડિલ્યએ તેના ખાતામાં વધુ બે ગોલ્ડ મેડલ જમા કર્યા છે. તાજેતરમાં યોજાયેલી નેશનલ ગેમ્સમાં તેણે દોડની બે ઇવેન્ટમાં બે ગોલ્ડ મેડલ જીતી લીધા છે.
લખનૌ ખાતે તા.૮ થી ૧૦ માર્ચ દરમિયાન નેશનલ ફેડરેશન કપનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં લક્ષિતાએ ૧૫૦૦ મીટર અને ૮૦૦ મીટર દોડ એમ બે ઇવેન્ટમાં બે ગોલ્ડ મેડલ જીતી લીધા છે. આ સાથે જ તે એપ્રિલમાં દુબઇ ખાતે આયોજીત જુનિયર એશિયન ચેમ્પિયનશિપ અને ઓગસ્ટમાં પેરુ ખાતે આયોજીત અંડર-૨૦ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદગી પામી છે.
ઉલ્લેખનીય છે કે લક્ષિતાએ ગત વર્ષે દક્ષિણ કોરિયા ખાતે યોજાયેલી અંડર-૨૦ એશિયન ચેમ્પિયનશિપમાં પણ ૧૫૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે અત્યાર સુધીમાં માત્ર ૧૯ વર્ષની ઉમરમાં ૩ ઇન્ટરનેશનલ અને ૨૯ નેશનલ મળીને કુલ ૩૨ મેડલ જીતી ચુકી છે જેમાં એક ઇન્ટરનેશનલ ગોલ્ડ અને ૨૪ નેશનલ ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે.