વડોદરાના હરણી સ્કલ્પચર પાર્કમાં સ્ક્રેપમાંથી બનાવેલી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરી આકર્ષણ વધાર્યું
Harni Sculpture Park Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હરણી ખાતે 2.35 કરોડના ખર્ચે 30 હજાર સ્ક્વેર મીટરમાં સ્કલ્પચરપાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. સ્કલ્પચરપાર્કમાં વિવિધ પ્રકારના 59 સ્કલ્પચરના પેડેસ્ટલ બનાવવામાં આવેલ છે. જેમાંથી 35 સ્કલ્પચર પેડેસ્ટલ પર મુકી ફિકસીંગ કરવામાં આવેલ છે અને સ્કલ્પચરના બાકી ખાલી રહેલા પેડેસ્ટલ પર હજુ જુદા જુદા સ્કલ્પચર બનાવી મુકવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ સ્ક્રેપમાંથી બનાવેલો મગર, ઘોડો અને બેડમિન્ટન રેકેટ તેમજ ફૂલ પણ પ્રદર્શિત કરવામાં આવેલ છે અને પાર્કનું આકર્ષણ વધારવામાં આવ્યું છે. અહીં થીમ આધારિત પાર્ક બનાવવામાં આવ્યો છે. અને તેમાં ચાર સેક્શન મુકવામાં આવ્યા છે. જેમાં સેક્શન મુજબ કલાકૃતિ મૂકવામાં આવી રહી છે. વડોદરા કોર્પોરેશનના વર્ષ 2024-25 ના બજેટને સમગ્ર સભામાં મંજૂર કરવામાં આવ્યું ત્યારે હરણી સ્કલ્પચર પાર્કમાં તમામ માટે વિવિધ ફી રદ કરી દેવાની ઘોષણા કરવામાં આવી હતી. થોડા મહિનાઓ અગાઉ રી-ઇમેજીંગ વડોદરા વિશે પરીસંવાદનું આયોજન કરાયું હતું. જેમાં વડોદરામાં આર્ટિસ્ટિક ન હોય તેવા મેટલના શિલ્પો ઉભા કરી દેવાયા તે મુદ્દે ટકોર પણ કરવામાં આવી હતી. જોકે એ પછી સ્ટેન્ડિંગ સમિતિમાં એક દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં વેસ્ટમાથી બેસ્ટ બનાવવાના કોન્સેપ્ટ હેઠળ જુદા જુદા સ્કલ્પચરનું નિર્માણ કરી તેને વિવિધ મુખ્ય માર્ગ પર બેસાડવા અને પાર્કમાં મુકવા ભલામણ કરવામાં આવી હતી. વડોદરા કોર્પોરેશને વર્ષ 2017 માં સ્ક્રેપમાંથી 25 કલાકૃતિઓ બનાવી હતી અને આ માટે 50000 કિલો સ્ક્રેપ વપરાયો હતો. 25 કલાકારોએ આ કૃતિઓ બનાવી તે પાછળ કોર્પોરેશનને 24 લાખનો ખર્ચ થયો હતો. આ કૃતિઓ બનાવ્યા બાદ કેટલીક ટ્રાફિક સર્કલો પર સ્થાપિત કરવામાં આવી હતી અને બાકીની અકોટા સ્ટેડિયમ ખાતે લાંબા સમય સુધી ધૂળ ખાતી પડી રહી હતી. જેનો વિવાદ થતાં ઘણી કલાકૃતિઓ ખસેડીને હરણી સ્કલ્પચર પાર્ક ખાતે લઈ જવામાં આવી હતી.