સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ સામે વડોદરાના 'હરિભક્તો' ની લડાઇ, લંપટોને તુરંત દૂર કરો
વડોદરા : આજવારોડ ઉપર આવેલા એક પાર્ટી પ્લોટમાં રવિવારની સાંજે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા સંપ્રદાયના લંપટ સંતોને હટાવવાના એલાન સાથે 'સનાતન ધર્મ રક્ષક સભા'નું આયોજન કરવામાં આવ્યુ હતું.
વડોદરા ખાતે રવિવારે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા 'સનાતન ધર્મ રક્ષક સભા' નું આયોજન કરવામાં આવ્યુ હતું. તેમાં વડોદરા જિલ્લાના પ્રતિનિધિઓ તેમજ વડોદરા શહેરના આગેવાન હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. સ્વામિનારાયણ સંપ્રદાયને છેલ્લા કેટલાય સમયથી લાંછન લગાવતા કાંડો અને લંપટ સાધુઓ સામે આકરા પગલા લેવા માટે આ સભામાં મુખ્ય ચર્ચાઓ કરવામાં આવી હતી.
આગેવાન હરિભક્તોએ કહ્યું હતું કે લંપટ સાધુઓને સંપ્રદાયમાંથી બહાર કરવા તેમજ સ્વામિનારાયણ સંપ્રદામાં સાધુઓ તથા હરિભક્તો માટે જે બંધારણ અને સિદ્ધાંતો, નિયમો શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત કરેલા છે એને શુદ્ધ રીતે પાળવામાં આવે. નિયમ અને સિધ્ધાંત પ્રમાણે ન વર્તતુ હોય એને સંપ્રદાયમાંથી તુરંત બહાર કરીને સંપ્રદાયમાં લાગતો સડો અટકાવવો જોઇએ.
સનાતન ધર્મ રક્ષક સભામાં એલાન : સિધ્ધાંત પ્રમાણે ન વર્તતુ હોય એને સંપ્રદાયમાંથી તુરંત બહાર કરીને સંપ્રદાયમાં લાગતો સડો અટકાવો
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય 6 અંગ છે જેમાં દેવ, મંદિર, શા, આચાર્ય,સંતો અને હરિભક્તોનો સમાવેશ થાય છે. મતલબ હરિભક્તો એ સંપ્રદાયનું છઠ્ઠું અંગ છે. સાધુઓની પાપલીલા અને કાંડોથી હરિભક્તોની જે લાગણીઓ દુભાઈ છે. સમાજની અંદર હરિભક્તોને નીચું જોવાનું થાય છે એટલે સંપ્રદાયમાંથી આવો સડો જલ્દીમાં જલ્દી દૂર થાય અને પવિત્ર આધ્યાત્મિક વાતાવરણ જલ્દીમાં જલ્દી સ્થપાય તેવો પ્રયાસ સર્વ હરિભક્તોએ સંગઠિત થઈ સ્વયંભૂ આગળ આવી અને સંકલ્પ કર્યો છે.
સ્વામિનારાયણ સંપ્રદાયએ જીવાત્માઓના મોક્ષ અને કલ્યાણના અર્થે સ્થાપવામાં આવ્યો છે નહીં કે કોઈ વ્યક્તિગત સ્વાર્થને સિદ્ધ કરવા માટે. ભગવાન શ્રી સ્વામિનારાયણએ સત્સંગી જીવન, વચનામૃત, શિક્ષાપત્રી અને દેશ વિભાગના લેખ નામના પાયાના બંધારણીય ગ્રંથો આપ્યા છે જેની અંદર સંપ્રદાયના સિદ્ધાંત અને બંધારણ અને સંતો હરિભક્તોના નિયમો આપેલા છે એ પ્રમાણે વર્તવાની આજ્ઞાા કરી છે અને એમાં ભગવાન સ્વામિનારાયણે અંતે કહ્યું છે કે જે મારી આજ્ઞાા પ્રમાણે નહીં વર્તે તે મારો નથી એમ મારા આશ્રિતોએ જાણી લેવું.