રાજ્ય કક્ષાની પ્રથમ ગોલ્ફ સ્પર્ધામાં વડોદરાનો ગોલ્ફ 'કેડી' ચેમ્પિયન
ઓલિમ્પિકમાં પણ ગોલ્ફનો સમાવેશ કરાયો છે, ક્રિકેટ ૧૫ દેશોમાં રમાય છે જ્યારે ગોલ્ફ 100 દેશોમાં લોકપ્રિય છે
વડોદરા : વડોદરા ખાતે તાજેતરમાં યોજાયેલી ગુજરાતની પ્રથમ રાજ્ય ગોલ્ફ ચેમ્પિયનશિપમાં આશ્ચર્યજનક પરિણામ જોવા મળ્યા છે. ગોલ્ફના સિનિયર ખેલાડીઓને હરાવીને વડોદરાનો ગોલ્ફ કેડી (કેડી એટલે ખેલાડીઓ સાથે ગોલ્ફની કીટ ઊચકીને ચાલતો સહાયક) ચેમ્પિયન બન્યો છે.આજે ગાયકવાડ ગોલ્ડ ક્લબ ખાતે ગોલ્ફ કોર્સ ઓનર્સ એસોસિએશન-ગુજરાતના પ્રમુખ સમરજીતસિંહ ગાયવાડના હસ્તે વિજેતાઓને ટ્રોફી અને સર્ટિફિકેટનું વિતરણ કરાયુ હતું.
સામાન્ય લોકો પણ ગોલ્ફ રમી શકે તે માટે રાજ્ય સરકારે ગોલ્ફ કોર્સ બનાવવા જોઇએ
એસોસિએશન દ્વારા રાજ્યમાં પ્રથમ વખત જ સ્ટેટ લેવલની ચેમ્પિયનશિપનું આયોજન લક્ષ્મીવિલાસ પેલેસ કમ્પાઉન્ડમાં આવેલા ગોલ્ફ કોર્સ ખાતે કરાયુ હતું. જેમાં રાજ્યભરમાંથી ૬૦ ગોલ્ફરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાના અંતે એમેચ્યોર શ્રેણીમાં વિજય ઠાકોર ચેમ્પિયન જ્યારે સવાઇ ભાટી રનર્સ અપ બન્યા હતા. વડોદરાના રાજવી અને જીસીઓએના પ્રમુખ સમરજીતસિંહ ગાયકવાડે કહ્યું હતું કે વિજય ઠાકોર વડોદરા ગોલ્ફ કોર્સમાં કેડી તરીકે સેવા આપે છે પરંતુ રમત પ્રત્યે તેની લગન હોવાથી તે તાલીમ પણ લેતો હતો.
તેઓએ વાત આગળ વધારતા કહ્યું હતું કે 'હવે તો ગોલ્ફની રમત ઓલિમ્પિકમાં પણ સામેલ કરવામાં આવી છે. વિશ્વમાં ક્રિકેટ ૧૨ થી ૧૫ દેશોમાં રમવામાં આવે છે જ્યારે ગોલ્ફ ૧૦૦ દેશોમાં લોકપ્રિય છે. ગોલ્ફ માટે ગુજરાતમાં ઘણી તકો છે. રાજ્ય સરકારે આ મામલે વિચાર કરવો જોઇએ. દિલ્હીમાં સામાન્ય જનતા માટે બે સરકારી ગોલ્ફ કોર્સ છે. ગુજરાતના મોટા શહેરોમાં સરકારે ગોલ્ફ કોર્સ બનાવવા જોઇએ જેથી સામાન્ય લોકો પણ ગોલ્ફ રમી શકે અને ભારત ઓલિમ્પિક માટે ગોલ્ફના સારા ખેલાડીઓ તૈયાર કરી શકે. અલબત ગોલ્ફ ખર્ચાળ રમત છે તેના માટે લાખોનો ખર્ચ થાય છે પરંતુ જો સરકાર દ્વારા સુવિધાઓ ઉભી કરવામાં આવે તો ખર્ચ ઘણો ઘટી શકે છે.
ગોલ્ફ ચેમ્પિયનશિપ વિજેતાઓની યાદી
એમેચ્યોર
વિજેતા : વિજય ઠાકોર - વડોદરા
રનર્સ અપ : સવાઇ ભાટી - અમદાવાદ
જુનિયર બોયઝ 'એ' કેટેગરી
વિજેતા : હેતાંશ - અમદાવાદ
રનર્સ અપ : મિખાઇલ દેસાઇ - વડોદરા
જુનિયર બોયઝ 'સી' કેટેગરી
વિજેતા : દેવજીત પનેસા - અમદાવાદ
લેડીઝ એમેચ્યોર
વિજેતા : એસ્ટર લોબો - વડોદરા
રનર્સ અપ : મૃણાલિની કૌર - વડોદરા
ગર્લ્સ જુનિયર 'એ' કેટેગરી
વિજેતા : અનન્યા સૈલી - અમદાવાદ
ગર્લ્સ જુનિયર 'બી' કેટેગરી
વિજેતા : યશ્વી - અમદાવાદ