વડોદરાના ફતેપુરા વિસ્તારમાં માથાભારે શખ્સના આતંકથી સ્થાનિકો પરેશાન : પોલીસ કમિશનરને આવેદનપત્ર
- પાંચ જેટલા લોકો ઉપર ચાકુ વડે હુમલો કરી ધાક જમાવવાનો પ્રયાસ
વડોદરા,તા.30 જાન્યુઆરી 2024,મંગળવાર
વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ મંગલેશ્વર ઝાંપા ખાતે પાંચ જેટલા લોકો ઉપર ચાકુ વડે હુમલો કરી ભયનો માહોલ ઊભો કરનાર અક્ષય સોલંકી નામના શખ્સ સામે યોગ્ય કાર્યવાહી કરવા વિસ્તારના રહીશોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
લેખિત રજૂઆતમાં સ્થાનિકોએ જણાવ્યું છે કે, મંગલેશ્વર વિસ્તારમાં દારૂ અને જુગાર ચલાવતા માથાભારે નામચીન બુટલેગર અક્ષય વિક્રમ સોલંકીએ ઠપકો આપનાર લોકો સાથે અદાવત રાખી એક પછી એક પાંચ લોકો ઉપર ચાકુ વડે જીવણ હુમલો કરી ધાક જમાવવાની કોશિશ કરી છે. જેથી આ માથાભારે શખ્સ સામે પોલીસ કમિશનર કડક કાર્યવાહી કરે તે જરૂરી છે. 22 જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત વિસ્તારમાં મહાપ્રસાદીનું આયોજન કરેલ હોય તે સમયે વ્યાયામ શાળાના ઓટલા ઉપર અક્ષય સોલંકીના પિતા વિક્રમ સોલંકી અને એક વકીલ દારૂ પીવા માટે બેઠા હતા. તે સમયે હાજર દેવેન્દ્રભાઈ સાથે એડવોકેટ અને અક્ષયના પિતાએ માથાકૂટ કરી હતી. અને અચાનક અક્ષય સોલંકીએ દેવેન્દ્રભાઈ ઉપર ચાકુ વડે હુમલો કરતા તેમને ઈજા પહોંચી હતી. આ પ્રમાણે હુમલાની અલગ અલગ ફરિયાદો વારસિયા તથા કુંભારવાડા પોલીસ મથકે નોંધાયેલ છે. તેમ છતાં પોલીસ કડક કાર્યવાહી કરી રહી નથી. માથાભારે શખ્સના પિતા વીજ ચોરીમાં પણ સંડોવાયેલ છે. જેથી આ વિસ્તારના માથાભારે આ શખ્સો સામે કાર્યવાહીની માંગ છે.