લાખોની ઠગાઇનો ભેજાબાજ ભાગીને મેડિકલ સ્ટોરમાં કામ કરતો હતો
૧૦ વર્ષથી ફરાર મયુર શાહ હોસ્પિટલમાંથી સ્યૂસાઇડ નોટ લખીને ભાગી ગયા બાદ મોડાસામાં રહેતો હતો
વડોદરા, તા.24 કારેલીબાગ વિસ્તારમાં રીમોલ્ડ ટાયર અને ટાયર સ્ક્રેપના ધંધામાં રોકાણ કરવાના બહાને લોકો સાથે લાખો રૃપિયાની ઠગાઇ કરી સ્યૂસાઇડ નોટ લખી હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયેલા ભેજાબાજને ૧૦ વર્ષે શહેર પોલીસે મોડાસા પાસેના અંતરિયાળ વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં કામ કરતાં ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ વિનાયક એન્ટરપ્રાઇઝના નામે રીમોલ્ડ ટાયર તેમજ ટાયર સ્ક્રેપનો ધંધો કરતા મયુર નવનીતલાલ શાહ (રહે.મનજીતનગર, તુલસીધામ ચાર રસ્તા, માંજલપુર)એ લોકોને પોતાના ધંધામાં રોકાણ કરવાની લાલચ આપી મોટી રકમ પડાવી હતી. આશરે રૃા.૪૨.૫૦ લાખ જેટલી રકમ ઉઘરાણી કર્યા બાદ પૈસા પરત કર્યા ન હતાં અને લોકો સાથે છેતરપિંડી થતાં વર્ષ-૨૦૧૪માં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં મયુર શાહ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી.
લાંબા સમયથી તે ફરાર થઇ ગયો હોવાથી શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા તેની તપાસ હાથ ધરતાં અરવલી જિલ્લાના મોડાસામાં હોવાની માહિતી મળી હતી. પોલીસની એક ટીમે ત્યાં તપાસ કરતાં મોડાસા પાસેના અંતરિયાળ વિસ્તારમાં જનસેવા ઔષધ વન ફાર્મસી નામના મેડિકલ સ્ટોર પર તે કામ કરતો હોવાનું જણાયા બાદ પોલીસે તેને ઝડપી પાડયો હતો. લાખોની ઠગાઇ કરનાર ભેજાબાજ મયુર શાહને વડોદરા લાવવામાં આવ્યો હતો.
પોલીસે તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે ધંધામાં નુકસાન થતાં લોકોના રૃપિયા પરત આપી શક્યો ન હતો. લોકો દ્વારા ઉઘરાણી થતાં આપઘાતનો પ્રયાસ કરતાં હોસ્પિટલમાં દાખલ કરાયો ત્યારે સ્યૂસાઇડ નોટ લખીને ભાગી ગયો હતો અને જુદી જુદી જગ્યાએ ફર્યા બાદ છેલ્લે મોડાસામાં રહીને મેડિકલ સ્ટોર પર કામ કરતો હતો.