વડોદરાની શ્રેયસ સ્કૂલમાં વાલીઓનો હોબાળો, એક્ટિવિટી ફી નહીં ભરી હોવાથી પરિણામ રોકવાનો આક્ષેપ
Vadodara RTE Education : વડોદરા શહેરના બગીખાના વિસ્તારમાં આવેલી શ્રેયસ સ્કૂલમાં RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, RTE હેઠળ પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પાસે એક્ટિવિટી ફી માંગવામાં આવે છે અને ફી નહીં આપનારા વિદ્યાર્થીઓના પરિણામ સ્કૂલે રોકી રાખ્યા છે.
ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા વાલીઓને સાથે રાખીને સ્કૂલની બહાર દેખાવો કરવામાં આવ્યા હતા. વાલીઓએ કહ્યુ હતુ કે, RTE હેઠળ ભણતા વિદ્યાર્થીઓ પાસે અન્ય કોઈ પ્રકારની ફી લઈ ના શકાય. આમ છતા સ્કૂલ વર્ષે 6000 રૂપિયા એક્ટિવિટી ફી માટે અને સ્માર્ટ ક્લાસની ફી ભરવા માટે દબાણ કરે છે. આટલી ફી ભરવાની અમારી ત્રેવડ જ નથી. તો બીજી તરફ સ્કૂલમાં પાણીની પણ યોગ્ય સુવિધા નથી. બોયઝ અને ગર્લ્સના વોશરૂમ્સ સુધ્ધા અલગ નથી. શિક્ષકો વિદ્યાર્થીઓને ટોર્ચર કરે છે તે તો અલગ.
જ્યારે શાળાના આચાર્ય પ્રીતિબેને કહ્યું હતુ કે, વાલીઓની બેઠક બોલાવીને તેમની સમક્ષ પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો અને એક્ટિવિટી ફી માટે તેમણે સંમતિ આપી હતી. આમ છતાં પાછળથી 10 થી 15 વાલીઓએ ફી ભરવાની ના પાડી હતી. તેઓ ઝઘડો કરવાના મૂડમાં હોય તે રીતે જ આવ્યા હતા. ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓને અમે પહેલા ટર્મનુ પણ પરિણામ આપ્યુ જ છે અને વાર્ષિક પરીક્ષાનું પરિણામ પણ આજે આપી દેવામાં આવ્યું છે. માત્ર તેમનુ અલગ લિસ્ટ બનાવવાનુ હતું. પણ વાલીઓ ભડકી ગયા હતા.