Get The App

આર્થરાઇટિસની ગંભીર બીમારીમાંથી બહાર આવ્યા બાદ વડોદરાના યુવાનની ઉત્તરાખંડથી નેપાળ અને ત્યાંથી ભુતાન પદયાત્રા

યોગ અને આયુર્વેદનું આગવું મહત્વ છે તેવા સંદેશ સાથે કાલે તા.૧૩મીથી પદયાત્રા શરૃ થશે

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
આર્થરાઇટિસની ગંભીર બીમારીમાંથી બહાર આવ્યા બાદ  વડોદરાના યુવાનની ઉત્તરાખંડથી નેપાળ અને ત્યાંથી ભુતાન પદયાત્રા 1 - image

વડોદરા, તા.11 એન્કલોઝિંગ સ્પોન્ડેલાઇટિસ નામની આર્થરાઇટિસની ગંભીર બીમારીને યોગ અને આયુર્વેદથી હરાવ્યા બાદ તેનો સંદેશો આપવા માટે દેશભરમાં પદયાત્રા કરનાર વડોદરાના જૈન યુવાન યોગેન શાહની હવે દેશમાંથી વિદેશમાં પદયાત્રા શરૃ થવાની છે. તા.૧૩ના રોજ ઉત્તરાખંડથી નેપાળ અને ત્યાંથી ભુતાન પગપાળા પ્રવાસ કરી લોકોને યોગ અને આયુર્વેદનો સંદેશો આપશે.

વડોદરાથી ટ્રેનમાં ગઇકાલે રાત્રે ે દિલ્હી પહોંચ્યા બાદ ત્યાંથી બસમાં ઉત્તરાખંડમાં નૈનિતાલ પહોંચશે. નૈનિતાલથી તા.૧૩ના રોજ યોગેન શાહની પ્રથમ ભાગની નેપાળની પદયાત્રા શરૃ થશે. ઉત્તરાખંડના રાણીબાગ, સીતારગંજ, ખરીમા અને બનવાસા થઇને આશરે ૮૫૦ કિલોમીટરનું અંતર કાપી નેપાળમાં પ્રથમ ભાગની યાત્રા પૂરી થશે. ઉત્તરાખંડના હિમાલયન રૃટમાંથી નેપાળમાં મહેન્દ્રનગરમાં એન્ટ્રી થશે અને ત્યાંથી કાઠમંડૂ પહોચશે. આ પદયાત્રા આશરે ૨૦થી ૨૫ દિવસની છે જેમાં નેપાળમાં ઇસ્ટથી વેસ્ટના રૃટનો સમાવેશ થાય છે.

યોગેન શાહે જણાવ્યું હતું કે વર્ષ-૨૦૦૭થી ૨૦૧૨ સુધી હું પથારીવશ હતો અને આખી જિંદગી દવાના સહારે રહેવું પડે તેવી સ્થિતિ હતી પરંતુ માતાની સલાહથી આહારમાં ફેરફાર કર્યો તેમજ યોગ અને આયુર્વેદનો સહારો લઇ કુદરતી જીવન જીવવાનું શરૃ કર્યું જેનાથી હું બેઠો થઇ શક્યો અને ત્યારપછી શરૃઆતમાં રોજ ૧૦થી ૧૫ કિ.મી. અંતર ચાલવાનું અને બાદમાં ૨૫થી ૩૦ કિ.મી. ચાલવાનું શરૃ કર્યા બાદ હવે હું ભારત ભ્રમણની સાથે અન્ય દેશોમાં પણ ચાલવા માંગું છું. આ પદયાત્રા દરમિયાન હું સમગ્ર દેશ અને દુનિયાને યોગ અને આયુર્વેદનું આગવું મહત્વ છે તેનો સંદેશો આપી રહ્યો છું.

નેપાળની પદયાત્રા બાદ સંજોગો યોગ્ય હશે તો ત્યાંથી પશ્ચિમ બંગાળમાં સીલીગુડીથી ભારતમાં પ્રવેશ મેળવીને ત્યાંથી ભુતાનની પદયાત્રાનું આયોજન છે. ે પદયાત્રાનો આ બીજો ભાગ આશરે ૧૨૦૦ કિ.મી.નો હશે. સોફ્ટવેર ડિઝાઇનિંગ વ્યવસાય સાથે સંકળાયેલા યોગેન શાહ જ્યારે મહિનાઓ સુધી બહાર હોય ત્યારે માતા-પિતા અને પત્ની તેમજ પુત્રને શરૃઆતમાં ચિંતા રહેતી  હતી પરંતુ હવે તેઓ આ સામાજિક કામ માટે પ્રોત્સાહન આપી રહ્યા છે.

અઢીથી ત્રણ કિલો વજનનો સાથે સામાન અને પદયાત્રા

ઉત્તરાખંડથી નેપાળ અને બાદમા ભુતાનની પદયાત્રા શરૃ કરનાર યોગેન શાહ પોતાની પાસે માત્ર બે જોડી કપડાં જેમાં ધોતી અને બનિયાન રાખે છે. પોતાની પાસે અઢીથી ત્રણ કિલો જેટલું જ વજન હોય છે. પદયાત્રા દરમિયાન રાત્રિ રોકાણ અંગે તેમણે કહ્યું હતું કે કોઇપણ સ્થળે રાતવાસો મળે ત્યાં હું રોકાઇ જતો હોઉં છું .કોઇ જૈન પરિવાર હોય તો મને મારા ઘર જેવું રહેવાનું મળે છે. ચાલતા ચાલતા રસ્તામાં સ્કૂલોમાં વિઝિટ કરવાની તેમજ ગામોમાં લોકોને મળવાનું હોય છે. પ્રકૃતિ સાથે જોડાઓ તેનું રક્ષણ કરો અને વ્યાધિઓ સામે હિંમત હાર્યા વગર નિરોગી થવાની દિશામાં આગળ વધો તેવો સંદેશો ગામોમાં અને શાળાઓમાં  હું આપું  છું.

યોગેને કુલ ૧૭૫૦૦ કિ.મી.ની પદયાત્રા કરી

 યોગેન શાહે ગંભીર બીમારીમાંથી બહાર આવ્યા બાદ અત્યાર સુધી કુલ ૧૭,૫૦૦ કિલોમીટરની પદયાત્રા કરી છે. સૌપ્રથમ વડોદરાથી રાજસ્થાન, બાદમાં વડોદરાથી ચંદીગઢ અને પછી એક વર્ષ પહેલાં વડોદરાથી કન્યાકુમારીની પદયાત્રા કરી હતી. વડોદરાથી કન્યાકુમારીની કોસ્ટલ યાત્રા આશરે ૨૨૨૦ કિ.મી.ની હતી.

બીમારીના કારણે યુકે છોડયું ઃ સાજા થઇ ચાલવા માંડયું

 યોગેન શાહને વર્ષ-૨૦૦૨માં બીમારીના લક્ષણો પ્રથમ વખત દેખાયા હતા, જ્યારે તેમની કેરિયરનો ગોલ્ડન પિરિયડ હતો. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ બાદ યોગેન બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ઇંગ્લિશના ટીચર તરીકે સક્રિય હતાં અને બીમારીના કારણે ભારત પરત આવવાનો નિર્ણય લીધો હતો.એક સમય એવો હતે કે તેઓ બેડથી બાથરૃમ સુધી   ચાલી શકતા નહોતા, આજે આ માણસે આખું વિશ્વ ચાલવા માટે નીકળ્યો છે.


Google NewsGoogle News