એક પૈડાની સાઈકલ ચલાવતા-ચલાવતા ભગવાન શિવજીનો સ્કેચ બનાવ્યો
વડોદરાઃ આજે મહાશિવરાત્રીના પાવન દિવસે વડોદરાના ૨૦ વર્ષના યુવાન રોનિત જોષીએ એક પૈડાની સાઈકલ ચલાવતા-ચલાવતા ભોલેનાથનો સ્કેચ દોરવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.આ દરમિયાન તેણે સાત કિલોમીટર સુધી સાઈકલ ચલાવી હતી.
રોનિત જોષી શહેરના હરણી રોડ પર આવેલા નાથીબા નગરમાં રહે છે અને એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે.તેણે આ કારનામાને ગોલ્ડન બૂક ઓફ રેકોર્ડસમાં વિશ્વ રેકોર્ડ તરીકે નોંધાવવા માટે દાવેદારી કરી છે.
આજે સવારે તે યુનિસાઈકલ તરીકે ઓળખાતી એક પૈડાની સાઈકલ લઈને વડોદરા-હાલોલ ટોલ નાકાથી નીકળ્યો હતો અને આમલિયારા સુધી સાત કિલોમીટરની સાયકલ ચલાવી હતી.સાઈકલ પર બેઠા બેઠા તેણે શંકર ભગવાનનો સ્કેચ બનાવ્યો હતો.એ પછી તે એમ.એસ.યુનિવર્સિટી પેવેલિયન ખાતેની યોગ શિબિરમાં પહોંચ્યો હતો અને વિશ્વ રેકોર્ડ માટે દાવેદારી નોંધાવી હતી.આ બદલ શિબિરમાં તેનુ સન્માન કરાયુ હતુ.
રોનિતનુ કહેવુ છે કે, ૨૦૧૯માં મેં આંખે પાટા બાંધીને સ્કેટિંગ કરતા-કરતા ૬ વખત રુબિક ક્યૂબ સોલ્વ કરવાનો, ૨૦૨૧માં એક પૈડાની સાઈકલ પર બેઠા બેઠા રુબિક ક્યૂબ સોલ્વ કરવાનો અને ૨૦૨૧માં જ એક પૈડાની સાઈકલ રાષ્ટ્રધ્વજ હાથમાં પકડીને વડોદરાથી હાલોલ સુધી ચલાવવાનો વિક્રમ પણ સર્જેેલો છે.
ગિટાર અને પિયાનો વગાડવામાં પણ એક્સપર્ટ રોનિતને ગત વિધાનસભા ચૂંટણીમાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા વડોદરા શહેર-જિલ્લામાં મતદાન જાગૃતિ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયો હતો.