વડોદરામાં વધુ એક મહિલાનો શિકાર, કરજણના તળાવમાં મહિલાને મગર ખેંચી ગયો
image : pixabay
વડોદરા,તા.13 મે 2023,શનિવાર
વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં મગર દ્વારા હુમલાના વારંવાર બનાવો બની રહ્યા છે ત્યારે આજે સવારે કરજણ ખાતે એક મહિલાને મગર ખેંચી ગયો હોવાનો વધુ એક બનાવ બનતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે.
વડોદરા જિલ્લામાં મગર દ્વારા હુમલા કરવાના અડધો ડઝનથી વધુ બનાવો બન્યા છે અને અત્યાર સુધીમાં બે વ્યક્તિના મોત પણ નીપજ્યા છે. જેને કારણે ફોરેસ્ટ વિભાગ દ્વારા ઠેક ઠેકાણે ચેતવણી આપતા બોર્ડ લગાવવામાં આવ્યા છે.
વડોદરા જિલ્લાના કરજણ નગરમાં આવેલા સ્વામી વિવેકાનંદ તળાવમાં આજે સવારે ઘરકામ માટે નીકળેલી મહિલા તળાવે ગઈ હતી તે દરમિયાન મગરે તેના પર હુમલો કર્યો હોવાની અને તળાવમાં ખેંચી ગયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.
બનાવના સ્થળે કરજણના મામલતદાર સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે.