વડોદરા : ગોત્રી ઇસ્કોન હાઈટ પાસે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા ઉનાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ
Vadodara News : વડોદરા શહેરના ગોત્રી ઇસ્કોન હાઇટ્સ પાસે છેલ્લા બે ત્રણ દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ઉનાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે તેમ છતાં કોર્પોરેશનનું તંત્ર સમારકામ કરવામાં વિલંબ કરી રહ્યું છે.
વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં પાણીની લાઈનોમાં ભંગાણ સર્જાવાને કારણે પીવાનું પૂરતું પાણી મળતું નથી અનેક જગ્યાએ તો વરસાદી ઘાસમાં પીવાનું પાણી ઠલવાતું રહેતું હોવાના કિસ્સા પણ બન્યા છે ત્યારે એક સાધે તેની સામે 13 તૂટે તેવી પરિસ્થિતિ સર્જાય છે. તાજેતરમાં દશરથ ગામ પાસે પણ પાણીની મુખ્ય ફીડર લાઇનમાં 15 દિવસથી ભંગાણ પડતા સમારકામ કરવા ગયેલી કોર્પોરેશનની ટીમને નેશનલ હાઈવે ઓથોરિટીએ અટકાવ્યા હતા અને તાત્કાલિક અમદાવાદ જઈ સમારકામની પરવાનગી લેવાની ફરજ પડી હતી.
એ જ પ્રમાણે ગોત્રી વિસ્તારમાં ઇસ્કોન હાઇટ્સ પાસે પાણીની મુખ્ય લાઈન છેલ્લા બે ત્રણ દિવસથી તૂટી ગઈ હતી જેમાંથી હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે. જેને કારણે ઉનાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે જે અંગે સ્થાનિક રહીશોએ કોર્પોરેશનના સત્તાવાળાઓને જાણકારી આપી હોવા છતાં સમારકામ કરવામાં વિલંબ કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.