Get The App

વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાછળ ફરી ટ્રાફિકજામ થતા વેપારીઓએ પોલીસ બોલાવતા હોબાળો

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાછળ ફરી ટ્રાફિકજામ થતા વેપારીઓએ પોલીસ બોલાવતા હોબાળો 1 - image

image : Socialmedia

વડોદરા,તા.22 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર

વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ફ્રુટના વેપારીઓ નિયમિત રીતે અડચણરૂપ રીતે ધંધો કરી રહ્યા છે. અહીં ઘણી વખત કલાકો સુધી ફ્રુટના મોટા વાહનો લોડીંગ, અન લોડિંગ થવાના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થાય છે. એના કારણે ટ્રાફિક સમસ્યાથી કંટાળેલા આજુબાજુ વેપારીઓએ પોલીસ બોલાવી હતી અને ફ્રુટ બજાર દૂર કરવાની માંગ કરી છે.

શહેરની મધ્યમાં આવેલ ખંડેરાવ માર્કેટમાં વર્ષોથી શાકભાજી અને ફ્રુટના વેપારીઓ ધંધો કરતા કરી રહ્યા છે. જે તે સમયે ટ્રાફિકની સમસ્યાના કારણે અહીંથી શાકભાજી સહિતના વેપારીઓને સયાજીપુરા એપીએમસી ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ આ દરમિયાન ફ્રુટના વેપારીઓ અહીંથી ગયા ન હતા. કોર્પોરેશનની મુખ્ય કચેરીને અડીને ખંડેરાવ માર્કેટની દિવાલ પાસે રોજ અસંખ્ય ફૂટના વેપારીઓ અહીં અડધા મુખ્ય માર્ગ પર દબાણ કરી પોતાનો ધંધો કરે છે. જેથી ટ્રાફિક અવ્યવસ્થા સર્જાય છે. ઉપરાંત નાળિયેર સહિતના ફ્રુટના વેપારીઓ સવારથી પોતાની ટ્રક અહીં લાવી લોડીંગ અનલોડીંગ કરતા હોય છે. તો કેટલાક વેપારીઓ અહીં ટ્રક ઊભી રાખી ફ્રુટ વેચવાનું પણ કામ કરે છે. સામાન્ય દિવસોમાં તેઓ સાતથી આઠ કલાક મુખ્ય માર્ગ પર પોતાનું વાહન મૂકી દેતા હોઇ અહીં ટ્રાફિકની ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. અહીંના શાકભાજીના વેપારીઓએ જણાવ્યું હતું કે, ફ્રુટના વેપારીઓની જેમ અમે પણ અહીં ધંધો કરીએ છીએ અને મોડી રાત્રે ઉજાગરો કરી પોતાના વાહનો લાવી રાત્રિના સમયે સામાન લેવા મુકવાનું કામ કરીએ છીએ. શહેરમાં સવારે 9થી રાત્રિના 9 સુધી હેવી વ્હીકલ માટે નો એન્ટ્રી છે. તેમ છતાં ફ્રુટના વાહનો અહીં આવી આડેધડ પાર્ક થઈ જતા હોય છે. ફ્રુટના વાહનો કેવી રીતે શહેરમાં પ્રવેશ મેળવે છે? એ પણ એક તપાસનો વિષય છે. આ વચ્ચે આજે સ્થાનિક વેપારીઓએ ટ્રાફિક સમસ્યાના કારણે કંટાળીને ટ્રાફિક એસીપીને રજૂઆત કરી હતી. જેના પગલે નવાપુરા અને ટ્રાફિક પોલીસની ટીમ અહીં દોડી આવી હતી અને મુખ્ય માર્ગ પર વ્યવસાય કરતાં ફૂટના વેપારીઓને ખદેડી દીધા હતા. અન્ય વેપારીઓની માંગ છે કે, અહીં કાયમી રીતે ફ્રુટ બજાર દૂર કરવામાં આવે અને રસ્તો ખુલ્લો થાય તો ટ્રાફિકની અગવડ દૂર થાય તેમ છે.

વોર્ડ ઓફિસરની એન્ટ્રી થાય તે અગાઉ ફ્રુટની લારીઓ ગુમ થઈ

ખંડેરાવ માર્કેટમાં કાયદેસર રીતે વેપાર કરતાં વેપારીઓએ ઉગ્ર રજૂઆત કરતા મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ પણ અહીં દોડી આવ્યો હતો. ત્યારે વેપારીઓએ એવો આગ્રહ રાખ્યો હતો કે, વોર્ડ ઓફિસર અહીં રૂબરૂ મુલાકાત લે અને અમારી સમસ્યાનું સમાધાન લાવે. વોર્ડ ઓફિસર આવવાના છે તે બાબતની જાણ થતા તેમની એન્ટ્રી પડે તે પહેલા જ ફ્રુટની એક ડઝન જેટલી લારીઓ, જે દૈનિક અહીં ઊભી રહે છે તે, ખસી ગઈ હતી. વેપારીઓએ ફ્રુટના વેપારીઓ અને વોર્ડ ઓફિસર વચ્ચે સાઠગાઠ હોવાનો પણ આક્ષેપ કર્યો છે.


Google NewsGoogle News