Get The App

વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓ બેસાડતા રિક્ષા, વાન સહિત 33 વાહનો ડીટેઇન કરાયા

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓ બેસાડતા રિક્ષા, વાન સહિત 33 વાહનો ડીટેઇન કરાયા 1 - image


- હરણી લેક ઝોન ખાતે સર્જાયેલી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય  માટે પોલીસે આવા વાહન ચાલકો સામે લાલ આંખ કરી

- વધુ રૂપિયા કમાઈ લેવાની લાલચમાં ચાલકો ઘેટા બકરાને જેમ વિદ્યાર્થીઓ ભરતા હોય છે

વડોદરા,તા.02 જાન્યુઆરી 2024,શુક્રવાર

વડોદરા શહેરમાં વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘરેથી શાળાએ અને શાળાએથી ઘરે જવા માટે તેમના વાલીઓ દ્વારા રીક્ષા કે વાન ની વ્યવસ્થા કરતા હોય છે. પરંતુ વાન અને રિક્ષાના ચાલકો દ્વારા વાહનોમાં ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને ઘેટાં બકરાંની જેમ બેસાડી વર્ધી મારતા હોય છે. ત્યારે હરણી લેક ઝોન જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય માટે ટ્રાફિક પોલીસે વિવિધ ટીમો બનાવી એક ડ્રાઇવ યોજી હતી. જેમાં ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓ બેસાડ્યા હોય તેવા 33 વાહનો ટ્રાફિક પોલીસ દ્વારા ડીટેઇન કરી તેના ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતરમાં હરણી લેક ઝોન ખાતે બોટ પલટી જવાના કારણે 12 બાળકો અને બે શિક્ષકો મળી 14 લોકોના મોત નીપજ્યા  હોવાની ગોઝારી ઘટનાએ વડોદરા સહિત સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. જેમાં તળાવ ખાતે 14 લોકોના મોત માટે જવાબદાર કોન્ટ્રાક્ટર સહિતના લોકો સામે કડક કાર્યવાહી કરી તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. શહેરમાં આવેલી વિવિધ સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોને ઘરેથી શાળાએ અને શાળાએથી ઘરે લઈ જવા માટે રીક્ષા, વાન અને ઇકો સહિતના વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ વાહનોના ચાલકો દ્વારા વધુ રૂપિયા કમાઈ લેવાની લાલચમાં રિક્ષામાં અને વાનમાં ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા હોય છે. ત્યારે ફરી વાર વડોદરા શહેરમાં હરણી બોટ કાંડ જેવી દુર્ઘટનાનું સ્કૂલની વર્ધી મારતા વાહનો દ્વારા પુનરાવર્તન ના થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહનના ચાલકો સામે લાલ આંખ કરી છે. પૂર્વ અને પશ્ચિમ ઝોનમાંથી ટ્રાફિક પોલીસની 10 થી 12 ટીમો દ્વારા ઘેટાં બકરાની જેમ વિદ્યાર્થીઓ ભરતા વાહન ચાલકો સામે એક ડ્રાઈવ શરૂ કરાઇ હતી. જેમાં સ્કૂલ વર્ધી મારતા રીક્ષા અને વાન સહિત 33 જેટલા વાહનો ટ્રાફિક પોલીસ દ્વારા ડીટેઇન કરવામાં આવ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. રીક્ષા અને વાન સહિતના વાહનના ચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Google NewsGoogle News