વડોદરાથી લંડન સાયકલયાત્રા, નિશા કુમારી નેપાળ થઇને ગુરૃવારે તિબેટ પહોંચશે

83 દિવસમાં 3,000 કિ.મી.ની સાયકલ યાત્રા દરમિયાન લોક સહયોગથી અલગ અલગ સ્થળોએ એક હજારથી વધુ છોડનું વાવેતર કર્યુ

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
વડોદરાથી લંડન સાયકલયાત્રા, નિશા કુમારી નેપાળ થઇને ગુરૃવારે તિબેટ પહોંચશે 1 - image


વડોદરા : વડોદરાથી ગત ૨૩ જુન રવિવારે સાયકલ લઇને લંડન જવા નીકળેલી નિશા કુમારી ૧૭૦૦ કિ.મી.નો પ્રવાસ પૂર્ણ કરીને નેપાળની રાજધાની કાઠમંડુ પહોંચી ગઇ છે. આ સાથે તેણે તેની યાત્રાનો પ્રથમ પડાવ પૂર્ણ કર્યો છે. લંડન સુધીમાં તે નેપાળ સહિતના ૧૫ દેશોમાંથી પસાર થવાની છે. જો કે નેપાળ પહોંચીને પણ તેણે રેકોર્ડ કર્યો છે. વડોદરાથી સાયકલ લઇને કાઠમંડુ પહોંચનાર તે પ્રથમ યુવતી બની છે.

નિશા કુમારીએ વર્ષ ૨૦૨૩માં એવરેસ્ટ સર કર્યો હતો. હવે તે નવા અભિયાન ઉપર નીકળી છે. 'ચેન્જ બીફોર ક્લાઇમેટ ચેન્જ' એટલે કે પર્યાવરણ પ્રતિકૂળ થાય તે પહેલા તમે તમારી આદતો બદલો અને પર્યાવરણને અનુકુળ બનો એવા મેસેજ સાથે નિશા કુમારીએ પડકારજનક સાયકલ પ્રવાસ શરૃ કર્યો છે. રસ્તામાં ૧૫ થી વધુ દેશો આવશે. આ દરમિયાન અત્યંત ગરમ વાતાવરણ,શૂન્યથી નીચે તાપમાનમાં હાડ થીજવતી ઠંડી,ચઢાણ,ઉબડ ખાબડ રસ્તા, રણ અને રેતાળ પ્રદેશો તથા ભાષાના અવરોધો જેવા મોટા પડકારોનો સામનો કરવો પડશે.

જો કે નિશા કુમારી ભારતના વિવિધ રાજ્યોમાંથી પસાર થઇને ૮૩ દિવસમાં ૩,૦૦૦ કિ.મી.ની સાયકલયાત્રા કરીને કાઠમંડુ પહોંચી ગઇ છે. અહીથી તિબેટ થઇને તે ચીન જવા માટે સોમવારે યાત્રા શરૃ કરી દીધી છે અને ગુરૃવારે તે તિબેટમાં પ્રવેસ કરશે. નિશાકુમારીએ વડોદરાથી કાઠમંડુ પહોંચતા સુધીમાં રસ્તામાં આવતા શહેરો અને ગામોમાં આશરે ૧ હજારથી વધુ રોપાઓનું વાવેતર કરીને પર્યાવરણ બચાવો સંદેશો આપ્યો છે. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા સંસ્થાએ તેને વૃક્ષારોપણ સાથે કાઠમાંડુ સુધીની સહુથી લાંબી સાયકલ યાત્રાનો વિક્રમ રચવાનું પ્રમાણપત્ર આપ્યું છે. તિબેટમાં તે એવરેસ્ટ બેઝ કેમ્પની પણ મુલાકાત લેશે. તેમ નિશાના માર્ગદર્શક નિલેશ બારોટે કહ્યું હતું.


Google NewsGoogle News