Get The App

વડોદરા ભવિષ્યમાં વિમાનોના ઉત્પાદનનું હબ બનશે, સી-295 એરક્રાફટ નિર્માણ માટેના પ્લાન્ટનું ઉદઘાટન

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
વડોદરા ભવિષ્યમાં વિમાનોના ઉત્પાદનનું હબ બનશે, સી-295 એરક્રાફટ નિર્માણ માટેના પ્લાન્ટનું ઉદઘાટન 1 - image


PM Modi Vadodara Visit: વડોદરા ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર તો છે જ અને ભવિષ્યમાં તે એવિએશન મેન્યુફેક્ચરિંગ એટલે કે વિમાનો બનાવવાનું હબ બનવાનું છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વડોદરામાં ટાટા-એરબસના સી-૨૯૫ વિમાનો બનાવવા માટેના એરક્રાફ્ટ કોમ્પ્લેક્ષના ઉદઘાટન સમારોહમાં કહ્યું હતું.

આ એરક્રાફટ કોમ્પ્લેક્સનું પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝના હસ્તે ઉદઘાટન થયું હતું.એ પછી આમંત્રિતોને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, સી-૨૯૫ એરક્રાફટ બનાવવાની ફેકટરી ભારતના નવા વર્ક કલ્ચરનું પ્રતિબિંબ છે.બે વર્ષમાંે આ પ્લાન્ટ બનીને તૈયાર છ.કોઈ પણ પ્રોજેકટના પ્લાનિંગમાં અને તેના અમલમાં બિન જરુરી વિલંબ ના થવો જોઈએ તેવું મારુ માનવું રહ્યું છે.વડોદરામાં રેલવે કોચ બનાવવાની ફેકટરી પણ આ જ રીતે રેકોર્ડ બ્રેક સમયમાં ઉભી થઈ હતી અને ત્યાં બનતા કોચની વિદેશમાં આયાત થાય છે.તે જ રીતે વડોદરામાં બનનારા વિમાનો પણ બીજા દેશોમાં એક્સપોર્ટ થશે.

એક સ્પેનિશ કવિને ટાંકીને પીએમ મોદીએ કહ્યું હતું કે, લક્ષ્ય સુધી પહોંચવા માટે એક ડગલુ ભરીએ છે તો રસ્તા આપોઆપ બનવા માંડે છે.છેલ્લા એક દાયકામાં લેવાયેલા નિર્ણયોથી દેશમાં સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન  મળી રહ્યું છે.ખાનગી કંપનીઓ માટે દરવાજા ખોલવામાં આવ્યા છે અને પબ્લિક સેકટરની કંપનીઓને વધારે કાર્યક્ષમ બનાવવામાં આવી છે.દક્ષિણ ભારતમાં બે ડિફેન્સ કોરિડોર બનાવાયા છે.સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની એક્સપોર્ટમાં ૩૦ ગણો વધારો થયો છે.સરકારના પ્રોત્સાહનના કારણે ડિફેન્સ સેકટરમાં ૧૦૦૦ સ્ટાર્ટ અપ ઉભા થયા છે.આજે દુનિયાના ૧૦૦થી વધારે દેશોને ભારતમાંથી હથિયારો અને પાર્ટસની નિકાસ કરવામાં આવે છે.વડોદરાના સી-૨૯૫ પ્રોજેકટ માટેના ૧૮૦૦૦ પાર્ટસ ભારતમાં જ બનવાના છે.આ પાર્ટ નાના અને મધ્યમકદના ઉદ્યોગો બનાવશે.તેનાથી ઉદ્યોગોને વેગ મળશે.

તેમણે આગળ કહ્યું હતું કે, ભારતમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રનો પણ વિકાસ થઈ રહ્યો છે.નાના શહેરો વિમાની સેવાઓથી જોડાઈ રહ્યા છે.ભારતની કંપનીઓએ ૧૨૦૦ એરક્રાફટ ઓર્ડર કર્યા છે.વડોદરાની આ ફેકટરીની  નાગરિક ઉડ્ડયનના વિમાનો બનાવવામાં મહત્વની ભૂમિકા હશે.વડોદરા પાસે ફાર્મા, એન્જિનિયરિંગ, કેમિકલ ક્ષેત્રની ઘણા ઉદ્યોગો છે અને વડોદરા એવિએશન મેન્યુફેકચરિંગનુ હબ બનશે.

આ પણ વાંચો: આજે તેઓ જીવતા હોત તો આજે ખુશ હોત, મોદી-સાંચેઝે ઉદઘાટન વખતે રતન ટાટાને યાદ કર્યા

વડાપ્રધાને ફાધર વાલેસને યાદ કર્યા

પીએમ મોદીએ ગુજરાતના જાણીતા સાહિત્યકાર ફાધર વાલેસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ૭૫ વર્ષ પહેલા  સ્પેનથી આવેલા ફાધર કાર્લોસ ગુજરાતમાં વસ્યા હતા.તેમણે પોતાના કાર્યોથી ગુજરાતને સમૃધ્ધ કર્યું હતું.તેમના યોગદાનનું ભારતે પદ્મશ્રી એવોર્ડથી નવાજીને સન્માન કર્યું હતું.ગુજરાતના લોકો તેમને ફાધર વાલેસ તરીકે ઓળખતા હતા.તેમના પુસ્તકો ગુજરાતને તેમણે આપેલી વિરાસતનું ઉદાહરણ છે.

ફૂટબોલ, ફૂડ અને ફિલ્મો ભારત અને સ્પેનના લોકોને જોડે છે 

નરેન્દ્ર મોદીએ સ્પેનના વડાપ્રધાનની હાજરીમાં કહ્યું હતું કે, ફૂડ, ફિલ્મ અને ફૂટબોલ ભારત અને સ્પેનના લોકોને જોડે છે.સ્પેનની ફૂટબોલ ટીમના ભારતમાં પણ બહુું મોટો ચાહક વર્ગ છે.બે દિવસ પહેલા બાર્સેલોના અને રિયલ મેડ્રિડ વચ્ચે રમાયેલી મેચની ભારતમાં પણ ભારે ચર્ચા હતી.બંને દેશોના સબંધોને મજબૂત બનાવવા માટે ૨૦૨૬ના વર્ષને ભારત અને સ્પેનના ટુરિઝમ, ક્લ્ચરલ યર તરીકે ઉજવવામાં આવશે.

વડોદરા ભવિષ્યમાં વિમાનોના ઉત્પાદનનું હબ બનશે, સી-295 એરક્રાફટ નિર્માણ માટેના પ્લાન્ટનું ઉદઘાટન 2 - image

ભારતના વિકાસનાં ભાગીદાર બનવા અમે આતુરઃ પીએમ સાન્ચેઝ 

સ્પેનના પીએમ પેડ્રો સાન્ચેઝે કહ્યું હતું કે, વડોદરાના પ્રોજેકટે ભારતની એરોસ્પેસ ઈન્ડસ્ટ્રી તેમજ યુરોપ અને સ્પેનની કંપનીઓ માટે નવા દરવાજા ખોલ્યા છે.અમારો દેશ ભારતના વિકાસમાં ભાગીદાર બનવા માટે આતુર છે.ભારતીય કંપનીઓ સ્પેન પર વિશ્વાસ કરી શકે છે.સી-૨૯૫ એરક્રાફટ સ્પેનની ટેકનિકલ ક્ષમતાનું પ્રતિક છે.ટાટા અને એરબસ વર્લ્ડ ક્લાસ કંપનીઓ છે.તેમના આ પ્રોજેકટથી ભારતમાં હજારો નોકરીઓ પેદા થશે.સ્પેન દ્વારા પ્રોજેકટ માટે ટેકનોલોજી ટ્રાન્સફર પણ કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે, સ્પેનમાં ૯૯ ટકા કંપનીઓ એમએસએમઈ સેકટરની છે.દેશના ઘડતરમાં તેમનો બહું મોટો ફાળો છે.વડોદરાના પ્રોજેકટથી ભારતની એમએસએમઈને પણ ફાયદો થશે.આ પ્રોજેકટ ભારત અને સ્પેનના ગાઢ થતા સબંધોનું પ્રતિક બનશે.


Google NewsGoogle News