વડોદરા: આજવા સરોવરની સપાટી કેટલાક વર્ષ પછી 213 ફૂટને ઓળંગી ગઈ
- છેલ્લા એક સપ્તાહમાં પાછોતરા વરસાદથી સપાટી પોણો ફૂટ વધી
- જો હવે વરસાદ પડે અને સપાટી વધે તો આજવામાંથી પાણી છોડવું પડે
વડોદરા,તા.11 ઓક્ટોબર 2022,મંગળવાર
વડોદરા શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ઐતિહાસિક આજવા સરોવરની સપાટી કેટલાક વર્ષ પછી 213 ફૂટને ઓળંગી ગઈ છે. પાછોતરો વરસાદ થતાં છેલ્લા એક સપ્તાહમાં સપાટી પોણો ફૂટ વધી છે. હાલ આજવાની સપાટી 213.25 ફૂટ છે. 30 સપ્ટેમ્બર સુધી આજવામાં નિયમ મુજબ 212.50 ફૂટ થી વધુ પાણી ભરી શકાય તેમ ન હતું. 30 સપ્ટેમ્બર બાદ 213 ફૂટ થી વધુ પાણી ભરી શકાય છે, પરંતુ વરસાદી માહોલ અને સતત પાણીની આવક ચાલુ રહે તો આજવામાંથી પાણી છોડવું પડે છે. હાલ જે સપાટી છે તેમાં જો હવે સતત વધારો થાય તો 62 દરવાજામાંથી પાણી છોડવાની સ્થિતિ ઊભી થાય. જોકે છેલ્લા 24 કલાકથી આજવા વિસ્તારમાં વરસાદ નથી. હવામાન ખાતાએ પણ હવે ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત હોવાનું કહ્યું છે. આ વર્ષે આજવામાં મોસમનો વરસાદ 46 ઇંચથી વધુ થયો છે. આજવાના ઉપરવાસ પ્રતાપપુરામાં 49 ઇંચ, ધન્સર વાવમાં 46 ઈંચ અને હાલોલમાં 37 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરના અંત સુધીમાં આજવા ક્યારે ભરાશે તેની ચિંતા હતી. 27 સપ્ટેમ્બરે લેવલ 211 ફૂટ જ હતું. પરંતુ પાછોતરો વરસાદ જોરદાર થતા તારીખ 1 ઓક્ટોબરના રોજ લેવલ 212.50 ફૂટ પર પહોંચી ગયું હતું. ગયા વર્ષે આજવા ભરવા માટે સરકાર પાસેથી નર્મદાનું પાણી આપવા પત્ર લખવો પડ્યો હતો. પરંતુ પાછોતરા વરસાદે સ્થિતિ સુધારી લીધી હતી. વર્ષ 2019 માં 9 સપ્ટેમ્બરે આજવા ના ઉપરવાસમાં ચાર ઇંચ વરસાદ થતાં આજવાનું લેવલ 212.85 ફૂટ થતા 62 દરવાજા ખોલવા પડ્યા હતા. તે સિઝનમાં આજવા 41 દિવસમાં પાંચમી વખત ઓવરફ્લો થયો હતો. જોકે લેવલ 213 ફૂટ થી વધ્યું ન હતું.