વડોદરાના તરસાલી સામુહિક આપઘાત કેસમાં નવો વળાંક : તપાસ દરમિયાન પરિવારના મોભીએ પણ ઝેરી દવા ગટગટાવી લેતા ગંભીર
Tarsali Mass Sucide Case : વડોદરા શહેરમાં ચકચાર મચાવનાર સામુહિક આત્મહત્યાના કેસની મળતી વિગત એવી છે કે ગઈકાલે રાત્રે 9:30 વાગ્યે તરસાલીની નંદનવન સોસાયટીમાં રહેતા ચેતનભાઇ મોહનભાઈ સોની પોતાના પુત્ર આકાશને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા તેમણે હોસ્પિટલમાં જણાવ્યું હતું કે, શેરડીનો રસ પીધાના ત્રણ કલાક પછી આકાશને ઉલટી ચાલુ થઈ જતા સારવાર માટે લાવ્યો છું અને મારી પત્ની બિંદુએ શેરડીના રસમાં પોટેશિયમ સાઈનાઈડ ભેળવીને પીવડાવી દીધો હોવાનો લાગે છે.
જેથી મકરપુરા પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ચેતનભાઇના પત્ની અને પિતાના અગાઉ અવશાન થયા હતા અને પોલીસને જાણ કર્યા વગર તેમણે અંતિમવિધિ પણ કરી દીધી હતી. પોલીસની ચેતનભાઇ પર શંકા જતા રાત્રે તેમને લઈને પોલીસ સ્ટેશન આવી હતી અને પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસ તેઓને ઘરે તપાસ કરવા માટે પણ લઈ ગઈ હતી. ચેતનભાઇને કેફિયત પરથી એવી શંકા જણાતી હતી કે તેમણે જ પરિવારજનોને ઝેર પીવડાવી દીધું હોઈ શકે, જેથી પોલીસે ઇન્ટરોગેશન શરૂ કરતાં ચેતનભાઇએ પોલીસની નજર ચૂકવીને અન્ય રૂમમાં જઈને પોતે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. થોડા સમય પછી તેઓને પણ ઉલટી શરૂ થતા પોલીસને શંકા જતા તેઓ ચેતનભાઇને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા જ્યાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.