ચાલુ પરીક્ષાએ પિતાને ગુમાવ્યા અને રડતી આંખે પેપરો આપ્યા
વડોદરાઃ ગુજરાત બોર્ડ દ્વારા ધો.૧૨ સાયન્સના આજે જાહેર થયેલા પરિણામ બાદ એક વિદ્યાર્થી એવો પણ હતો કે જેના પરિવારમાં એક તરફ સારા રિઝલ્ટની ખુશી તો બીજી તરફ ગમનો માહોલ સર્જાયો હતો.
શહેરના રાજમહેલ રોડ પર આવેલી ખાડિયા પોળમાં રહેતા યક્ષ પટેલે ૯૭.૭૬ પર્સેન્ટાઈલ પ્રાપ્ત કરીને પિતાની ઈચ્છા પૂરી કરી છે પણ પિતા આ સફળતા જોવ માટે દુનિયામાં હયાત નથી.
યક્ષના કૌટુંબિક કાકા રમેશભાઈ પટેલે કહ્યુ હતુ કે, યશ ધો.૧૨ની બોર્ડ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે જ તેના પિતા તુષારભાઈ ગંભીર બીમારીમાં સપડાયા હતા.તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી હતી પણ ડોકટરોએ છેવટે આશા છોડી દીધી હતી અને તેમને ઘરે લઈ જવાનુ કહ્યુ હતુ.
ઘરે તુષારભાઈએ પથારીમાં સુતા સુતા યક્ષને કહ્યુ હતુ કે, બેટા તુ મારી ચિંતા ના કરતો, ભણવામાં ધ્યાન આપશે અને પરિવારનુ નામ રોશન કરજે.એ પછી ચાલુ પરીક્ષાએ યક્ષના પિતાનુ નિધન થયુ હતુ.સ્વાભિક છે કે, પિતાના અવસાનથી યક્ષને માનસિક ઝટકો વાગ્યો હતો.આમ છતા યક્ષે રડતી આંખે પરીક્ષાની તૈયારી કરી હતી અને રડતા-રડતા પેપર આપ્યુ હતુ.
રમેશભાઈ પટેલ કહે છે કે, આજે પરિણામ જાહેર થયુ છે અને યક્ષે પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરીને બ્રાઈટ સ્કૂલમાં પહેલો ક્રમ મેળવ્યો છે સ્કૂલે તેનુ સન્માન કર્યુ છે પણ દીકરાની સફળતા જોવા માટે આજે પિતા હયાત નથી.આમ અમારા પરિવારમાં સફળતાની ખુશી અને યક્ષના પિતાની ગેરહાજરીનો વસવસો પણ છે.જોકે યક્ષે પોતાના પિતાને આજે શ્રધ્ધાંજલિ આપી છે.