સીએસ ફાઈનલમાં વડોદરાનો વિદ્યાર્થી દેશમાં નવમા ક્રમે

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
સીએસ ફાઈનલમાં વડોદરાનો વિદ્યાર્થી દેશમાં નવમા ક્રમે 1 - image

વડોદરાઃ ઈન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા લેવાયેલી સીએસ ઈન્ટર અને ફાઈનલની પરીક્ષાનુ પરિણામ આજે જાહેર થયુ હતુ.સીએસ ફાઈનલમાં વડોદરાના વિદ્યાર્થી જુગલ પટેલે સમગ્ર દેશમાં નવમો ક્રમ મેળવ્યો છે.

કારેલીબાગ વિસ્તારમાં રહેતા અને ફાઈનલમાં ૯૦૦માંથી ૪૯૬ માર્કસ મેળવનારા જુગલે એક વાતચીતમાં કહ્યુ હતુ કે, પહેલા તો પરિણામ જોઈને મને શોક લાગ્યો હતો.કારણકે મેં ઓલ ઈન્ડિયા રેન્ક આવશે તેવી આશા નહોતી રાખી.મને લાગે છે કે, અભ્યાસમાં શિસ્ત અને સાતત્યના કારણે મને સફળતા મળી છે.સાથે સાથે હું મેડિટેશન પણ કરતો હતો.જેનાથી પણ મને ધ્યાન કેન્દ્રીત કરવામાં મદદ મળી હતી.પરીક્ષાના એકાદ મહિના અગાઉથી હું રોજ ૧૬ કલાક વાંચતો હતો.સોશિયલ મીડિયા અને ટીવી જોવાનુ મેં બંધ કરી દીધુ હતુ.

તેણે કહ્યુ હતુ કે, સીએસની સાથે સાથે હું બીકોમનો પણ અભ્યાસ કરુ છું.પહેલા જ પ્રયત્નમાં મેં સીએસ ફાઈનલની પરીક્ષા પાસ કરી હોવાના કારણે મને સીએસની ડિગ્રી પહેલા મળી છે અને બીકોમની ડિગ્રી પછી મળશે.મારા પરિવારમાંથી કોઈ સીએસ થયેલુ નથી.પિતા બિઝનેસ કરે છે અને માતા હાઉસ વાઈફ છે.

સીએસના વડોદરા ચેપ્ટરના ચેરમેન મિતુલ મિસ્ત્રીએ એક વાતચીતમાં કહ્યુ હતુ કે, વડોદરામાંથી આઠ વિદ્યાર્થીઓ સીએસની ડિગ્રી મેળવવામાં સફળ રહ્યા છે.વડોદરાનુ સીએસ ફાઈનલના ત્રણ મોડયુલ પૈકી પહેલા મોડયુલનુ ૧૫.૩૮ ટકા, બીજા મોડયુલનુ ૧૯.૪૮ ટકા અને ત્રીજા મોડયુલનુ ૨૬.૩૨ ટકા પરિણામ આવ્યુ છે.જ્યારે એક્ઝિક્યુટિવના નવા કોર્સમાં પહેલા મોડયુલનુ ૧૮.૫૬ ટકા અને બીજા મોડયુલનુ ૧૧.૨૯ ટકા પરિણામ આવ્યુ છે.જૂના કોર્સના બહેલા મોડયુલનુ પરિણામ ૧૫.૭૧ ટકા અને બીજા મોડયુલનુ પરિણામ ૧૪.૧૭ ટકા રહ્યુ છે.


Google NewsGoogle News